નસવાડીથી પસાર થતી મહત્વની એસ.ટી.બસોના રૂટ બંધ રહેતા મુસાફરો પરેશાન

નસવાડી માંથી પસાર થતી મહત્વની એસ.ટી. બસોના રૂટ છેલ્લા એક વર્ષથી બંધ કરાતા આદિવાસી વિસ્તારના મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલોલ, રાજપીપળા, ઝઘડિયા અને કરંટા રૂટની બસો બંધ થતાં વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે

નસવાડી છોટાઉદેપુર જીલ્લાનું ૨૧૨ ગામો ધરાવતું તાલુકા મથક છે. અહીંથી દરરોજ હજારો લોકો અવરજવર કરે છે. પાવાગઢ માતાજીનાં દર્શને જતા ભક્તો પણ આ રૂટનો ઉપયોગ કરે છે. અગાઉ નસવાડીથી હાલોલ, ભરૂચ, રાજપીપળા, ઝઘડિયા અને કરંટા સુધીની બસોમાં મુસાફરોની ભીડ રહેતી હતી. એસ.ટી.ને સારી આવક થતી હોવા છતાં આ રૂટ બંધ કરાતા લોકો પરેશાન છે.

ભરૂચ અને રાજપીપળાથી નસવાડી થઈ પાવાગઢ તથા ગોધરા જતા મુસાફરોને હવે વચ્ચે બસ બદલવી પડે છે. કલાકો સુધી બીજી બસની રાહ જોવી પડતાં સમય અને નાણાંનો બગાડ થાય છે.

સ્થાનિકોના આક્ષેપ મુજબ શહેરોમાં નવી બસો ફાળવાઈ રહી છે. જ્યારે આદિવાસી વિસ્તારોના ચાલતા રૂટ બંધ કરાયા છે. સાંસદ અને સ્થાનિક ધારાસભ્યો આ પ્રશ્ને ધ્યાન આપે. બંધરૂટ તાત્કાલિક શરૂ કરાવે. એવી મુસાફરોની માગ છે.

આદિવાસી વિસ્તારના બંધ પડેલા બસ રૂટ ફરી શરૂ કરાવો બોડેલી ડેપોની હાલોલ, રાજપીપળા અને ઝઘડિયા ડેપોની ઝઘડિયા તથા કરંટા જતી બસો ફરી શરૂ કરાવવામાં આવે. આદિવાસી વિસ્તારના લોકોને લોકલ બસની સુવિધા વધારવાને બદલે એસ.ટી. તંત્ર દ્વારા રૂટ જ બંધ કરી દેવામાં આવ્યા છે. આ બાબતે કોઈ ધ્યાન આપતું ન હોય તેમ લાગી રહ્યું છે.

ફોરવ્હીલ વાહનોમાં મુસાફરી કરનારા લોકો એક શહેરથી બીજા શહેર જાય છે, પરંતુ ઓછા ભાડામાં મુસાફરી કરતા લોકો આજે પણ એસ.ટી. બસ પર આધાર રાખે છે. ત્યારે બોડેલી અને ઝઘડિયા ડેપોના બંધ પડેલા બસ રૂટ ફરી શરૂ કરવામાં આવે તો આદિવાસી વિસ્તારના મુસાફરોને રાહત મળે.