
મહિલાએ પ્રેમલગ્ન કરેલા હોવાથી પિતા સમાજની રીતે છૂટાછેડા કરાવી દેશે તેવા ડરને કારણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમા
છોટા ઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકાના પીપળસટ ગામ ખાતે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક યુવતીએ પોતાની આઠ માસની દીકરીને પાણીના હોજમાં ડૂબાડીને મોતને ઘાટ ઉતારી દીધી અને ત્યાર બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પ્રેમલગ્નને કારણે પિયરપક્ષ સમાજની રીતે છૂટાછેડા કરાવી પાછા લઈ જશે તેવા ડરને કારણે મહિલાએ આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ છે.
માતાએ 8 માસની દીકરીને હોજમાં ડૂબાડી, પોતે ફાંસો ખાધો પ્રાપ્ત માહિતી અનુસાર, સંખેડાના પીપળસટ ગામની એક વાડીમાં ગિરીશભાઈ ભૂરિયાભાઈ ભીલ તેમની પત્ની સંગીતાબેન અને 8 માસની દીકરી હંસિકા સાથે રહીને ખેતમજૂરી કરતા હતા. ગિરીશભાઈએ સંગીતાબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ પ્રેમલગ્ન કર્યા હોવાને કારણે સંગીતાબેનને હંમેશા એક ડર સતાવતો હતો કે, તેમના પિતા સમાજની રીતે ભેગા થઈને તેમને છૂટાછેડા કરાવીને પાછા લઈ જશે. આ સતત ડર અને ભય હેઠળ તેઓ જીવન જીવી રહ્યા હતા.
પ્રેમલગ્ન બાદ છૂટા પડવાના ડરથી યુવતીએ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું અનુમાન આ ડરને કારણે સંગીતાબેને ગઈકાલે (26 નવેમ્બર) સવારે લગભગ આઠેક વાગ્યાના અરસામાં તેમના પતિ ગિરીશભાઈને બાળકી માટે બિસ્કિટ લેવા બજારમાં મોકલ્યા હતા. ગિરીશભાઈ બજારમાંથી દૂધ, બિસ્કિટ અને પાપડી લઈને પાછા ફર્યા ત્યારે તેમને પત્ની સંગીતાબેન અને દીકરી હંસિકા ઘરમાં જોવા મળ્યા નહોતા.
ગિરીશભાઈએ શોધખોળ શરૂ કરતાં ઓરડીની પાછળ આવેલા પાણીના હોજમાં તેમની 8 માસની દીકરી હંસિકા પાણીમાં મૃત્યુ પામેલી હાલતમાં તરતી મળી આવી હતી. પોતાની દીકરીને મૃત હાલતમાં જોઈ ગિરીશભાઈ ગભરાઈ ગયા અને તરત જ પત્ની સંગીતાબેનને શોધવા લાગ્યા.
લીમડાના ઝાડની ડાળી ઉપર સૂતરની દોરી વડે ફાંસો ખાધો આજુબાજુ તપાસ કરવા છતાં સંગીતાબેનની કોઈ ભાળ ન મળતાં ગિરીશભાઈ નજીકમાં રહેતા તેમના કાકા પાસે પહોંચ્યા અને સમગ્ર હકીકત જણાવી. ગિરીશભાઈ અને તેમના કાકાએ સાથે મળીને સંગીતાબેનની શોધખોળ આદરી. આજુબાજુના ખેતરોમાં તપાસ કરતાં, નજીકના જ એક ખેતરમાં આવેલા લીમડાના ઝાડની ડાળી ઉપર સૂતરની દોરી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં સંગીતાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો.
મહિલાના આપઘાત તથા બાળકીની હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ આ કરૂણ બનાવની જાણ થતાં સંખેડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે બાળકી અને મહિલાના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે. પોલીસે હાલ આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાના આપઘાત તથા બાળકીની હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. પ્રેમલગ્ન બાદ છૂટા પડવાના ભયના કારણે આ યુવતીએ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પોલીસ માની રહી છે.