
આઇપીએલ ૨૦૨૬ પહેલા, દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ સ્ટાર ફાફ ડુ પ્લેસિસે પોતાના નિર્ણયથી બધાને આશ્ર્ચર્યચક્તિ કરી દીધા છે. ચેન્નાઈ સુપર કિંગ્સને બે વખત ચેમ્પિયનશિપ જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર ડુ પ્લેસિસે આઇપીએલ ૨૦૨૬ માં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. લાંબા સમયથી આઇપીએલ ખેલાડી રહેલા ડુ પ્લેસિસે જાહેરાત કરી છે કે તે આગામી આઇપીએલ હરાજીમાં પોતાનું નામ દાખલ કરશે નહીં.
દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટને એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તે આઇપીએલ ૨૦૨૬ને બદલે પાકિસ્તાન સુપર લીગમાં ભાગ લેશે. નોંધનીય છે કે ફાફ ડુ પ્લેસિસ ગયા સિઝનમાં દિલ્હી કેપિટલ્સમાં હતા, પરંતુ તેમનું પ્રદર્શન એટલું સારું નહોતું.આઇપીએલની આગામી સિઝન પહેલા, દિલ્હી કેપિટલ્સે અનુભવી ખેલાડીને રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.
ફાફ ડુ પ્લેસિસના નિર્ણયથી વિશ્ર્વભરના ચાહકો આશ્ર્ચર્યચક્તિ થયા છે, કારણ કે ૧૫ ડિસેમ્બરે યોજાનારી આઇપીએલ ૨૦૨૬ની હરાજીમાં ઘણી ટીમો તેમના માટે બોલી લગાવી શકે છે. ડુ પ્લેસિસ પાસે આઇપીએલ કેપ્ટનશિપનો અનુભવ પણ છે. તેમને ૨૦૨૨માં આરસીબી દ્વારા વિરાટ કોહલીના સ્થાને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
એક ભાવનાત્મક પોસ્ટમાં, સ્ટાર ખેલાડીએ લખ્યું,આઇપીએલમાં ૧૪ સીઝન પછી, મેં આ વર્ષે હરાજીમાં મારું નામ દાખલ ન કરવાનો નિર્ણય લીધો છે. આ લીગ મારી સફરનો મહત્વપૂર્ણ ભાગ રહી છે. હું વિશ્ર્વ કક્ષાના સાથી ખેલાડીઓ સાથે, અદ્ભુત ફ્રેન્ચાઇઝીઓ માટે અને ચાહકોની સામે રમવાનું ભાગ્યશાળી રહ્યો છું જેમનો જુસ્સો અજોડ છે.
ફાફ ડુ પ્લેસિસ તેમના લાંબા આઇપીએલ કારકિર્દી દરમિયાન ચાર ટીમો માટે રમ્યા છે. તેમને ૨૦૧૩માં ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા ખરીદવા આવ્યા હતા, અને આ લીગમાં જ દક્ષિણ આફ્રિકાના ખેલાડીએ વિશ્ર્વને પોતાની પ્રતિભા દર્શાવી છે. તે આઇપીએલમાં સીએસકે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ માટે રમ્યો હતો, પરંતુ તેનો સૌથી યાદગાર કાર્યકાળ ચેન્નઈ સુપર કિંગ્સ સાથે રહ્યો હતો.
તેણે ધોનીની કેપ્ટનશીપ હેઠળ શાનદાર પ્રદર્શન કર્યું અને બે વાર વિજેતા ટીમનો ભાગ રહ્યો.આઇપીએલ ૨૦૨૧ની ફાઇનલમાં, ડુ પ્લેસિસે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે ૫૯ બોલમાં ૮૬ રનની શાનદાર ઇનિંગ રમી, જેણે ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી.