રાજકોટના શિક્ષક મોહિત ટાંકની શરમજનક કરતૂતઃ ૧૪ વર્ષની વિદ્યાર્થિનીને નાપાસ કરવાની બીક બતાવી કર્યુ ન કરવાનું કામ

શિક્ષણ જગતને શરમજનક બનાવે તેવી ગંભીર ઘટના રાજકોટની સરકારી શાળામાં બની છે. ગણિતના શિક્ષક મોહિત ટાંકે ૧૪ વર્ષની સગીર વિદ્યાર્થીને નાપાસ કરવાનો ડર બતાવીને તેની સાથે જબરદસ્તી કરી છે. આ કિસ્સાએ આખા શહેરમાં ચર્ચા જગાવી છે. હાલ આ અંગે તાલુકા પોલીસે પોક્સો અધિનિયમ સહિત લાગુ પડતી કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની સગીરાની માતાએ સરકારી શાળાના ગણિતના શિક્ષક મોહિત ટાંક વિરુદ્ધ બીએનએસની કલમ ૧૩૭(૨), ૬૪(૨), ૬૫(૧), ૭૮(૨), ૩૫૧(૨) તેમજ પોક્સો એક્ટની કલમ ૪,૮,૧૨ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં ભોગ બનનાર સગીરાની માતાએ જણાવ્યુ છે કે, દીકરી જે સરકારી શાળામાં ભણે છે તે શાળામાં મોહિત ટાંક ગણિત વિષયમાં ફેલ કરવાની ધમકી આપી સ્કૂલમાં ક્લાસરૂમમાં કોઈ ન હોય ત્યારે અવારનવાર સગીરાને બોલાવતો હતો. તેની સાથે હગ તેમજ કિસ કરતો હતો. તેમજ ૦૯ જાન્યુઆરીના રોજ મોહિત ટાંકે સગીરાને ગણિત વિષયમાં સારા માર્કસે પાસ કરી આપવાની લાલચ આપી સ્કૂલેથી પોતાની ફોર વ્હીલર કારમાં બેસાડીને અપહરણ કરી પોતાના ફ્લેટ ખાતે લઈ ગયો હતો. જ્યાં વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સગીરાની માતા દ્વારા ફરિયાદ આપતા જણાવ્યું છે કે, સગીરા ધોરણ ૬થી ૮ દરમિયાન રાજકોટની એક સરકારી શાળામાં અભ્યાસ કરતી હતી. તે સમયે આરોપી મોહિત ટાંક નામનો શિક્ષક ગણિત વિષય ભણાવતા હતા. જાન્યુઆરી ૨૦૨૬થી શિક્ષક તેને વર્ગખંડમાં અન્ય વિદ્યાર્થીઓ હાજર ન હોય ત્યારે તેની સાથે હગ અને કિસ કરતા હતા. સગીરાએ વિરોધ કરતાં ગણિતમાં નાપાસ કરવાની ધમકી આપવામાં આવતી હતી.

૯ જાન્યુઆરીના રોજ સગીરા સવારે શાળાએ પહોંચી ત્યારે શિક્ષકે તેને પોતાની સાથે ઘરે આવવા કહ્યું હતું. સગીરાએ ઇનકાર કરતાં શિક્ષકે કથિત રીતે તેનું બેગ ખેંચ્યું અને જા કોઈ પૂછે તો ‘બુક ઘરે ભૂલી ગઈ છે, એટલે સર મને ઘરે મૂકવા આવે છે’ તેમ કહેવા દબાણ કર્યું હતું. ગણિતમાં નાપાસ કરી દેવાની તથા ભણતરમાં આગળ વધવા નહીં દેવાની ધમકી આપીને તેને પોતાની સાથે લઈ જવામાં આવી હતી. શિક્ષક તેને કારમાં બેસાડી મવડી રોડ વિસ્તારમાં આવેલા પોતાના ફ્લેટ પર લઈ ગયા હતા. ત્યાં કોઈ હાજર ન હોવાનું જણાવી તેને બેડરૂમમાં લઈ જઈ શારીરિક અડપલાં કર્યા બાદ તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. ઘટના બાદ શિક્ષકે સગીરાને કારમાં બેસાડી શાળાની નજીક ઉતારી દીધી હતી અને ત્યાંથી તે ચાલીને શાળાએ ગઈ હતી.ત્યારબાદ પણ એપ્રિલ ૨૦૨૬ સુધી શિક્ષક અન્ય વિદ્યાર્થીઓ મારફતે તેને ખાલી વર્ગખંડમાં બોલાવતા અને ત્યાં અયોગ્ય વર્તન કરતા હતા. સમગ્ર બાબતે કોઈને જાણ ન કરવા માટે તેને સતત ધમકાવવામાં આવતી હતી. જો શિક્ષક કહે તેમ નહીં કરે તો ગણિતમાં નાપાસ કરી દેવાની તેમજ પોતાને નુકસાન પહોંચાડવાની ધમકી આપવામાં આવતી હતી. ૨૩ સપ્ટેમ્બરના રોજ સગીરા ઘરે ગુમસુમ બેઠી હતી. માતાએ તેને હિંમત આપી પૂછપરછ કરતાં સગીરાએ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પરિવાર પોલીસનો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.