
અરવલ્લી જિલ્લામાં ૧૦ દિવસમાં ફાયરિંગની બીજી ઘટના સામે આવી છે. માલપુરના મોરડુંગરી પાસે પોશડોડાની હેરાફેરી સામે કાર્યવાહી દરમિયાન આરોપીઓ અને એલસીબી પોલીસ વચ્ચે સામસામે ફાયરિંગ થયું હતું. પોશડોડા ભરેલી કારને રોકવાનો પ્રયાસ કરતા આરોપીઓએ પોલીસ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું. જેના જવાબમાં પોલીસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જવાબી ફાયરિંગમાં એક આરોપીને પગના ભાગે ઈજા થતાં તેને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી પાસેથી એક માઉઝર પિસ્તોલ અને કારમાંથી વધુ એક માઉઝર પિસ્તોલ મળી આવતા કુલ બે પિસ્તોલ કબજે કરવામાં આવી. ફાયરિંગ દરમિયાન એલસીબી,પીઆઇ પીએસઆઇ અને એએસઆઇને નાની-મોટી ઈજાઓ થઈ હતી. સમગ્ર મામલે ફરી બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું છે. તે મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, એલસીબી ટીમને પોશડોડાના જથ્થાની બાતમી મળી હતી. મોરડુંગરી પાસે શંકાસ્પદ ફોર્ચ્યુનર કારને કોર્ડન કરવાનો પ્રયાસ કરાતાં કારમાં સવાર શખ્સોએ પોલીસ ટીમ પર સીધા બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધા હતા. જીવ જોખમમાં મુકાવા છતાં એલસીબી ટીમે અદમ્ય સાહસ દાખવી સ્વબચાવમાં ૩ રાઉન્ડ જવાબી ફાયરિંગ કર્યું હતું. પોલીસની ગોળી સીધી એક આરોપીના પગમાં વાગતાં તે સ્થળ પર જ ઢળી પડ્યો હતો અને પોલીસે તેને ઝડપી લીધો હતો. આ અથડામણમાં એલસીબી પીઆઇ એમ.એચ. ઝાલા,પીએસઆઇ પી.પી. સોલંકી અને એએસઆઇ કલ્પેશસિંહને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
પોલીસે ઝડપાયેલા આરોપી પાસેથી એક માઉઝર પિસ્તોલ અને તપાસ દરમિયાન કારમાંથી વધુ એક પિસ્તોલ મળીને કુલ બે માઉઝર પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ સમગ્ર નેટવર્ક પાછળ કુખ્યાત બિશ્નોઈ ગેંગનું કનેક્શન બહાર આવ્યું છે. રાજસ્થાન સરહદેથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા પોશડોડાના વેપાર માટે બિશ્નોઈ ગેંગના સાગરીતો હથિયારો સાથે આવી રહ્યા હોવાની વાત સામે આવી હતી. જાકે, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.