પાટણના સાંતલપુરમાં પશુપાલક પર મોટી આફત, વીજળી પડતા ૪૦ ઘેટાં-બકરાના મોત

પાટણ જિલ્લામાં મેઘ મહેર સાંતલપુરના પશુપાલક પર આફત બનીને આવી છે. સાંતલપુરમાં પશુપાલક ઘેટાં-બકરા લઇને ખેતરમાં ચરાવવા ગયા હતા ત્યારે આકાશી વીજળી પડતા ૩૫થી ૪૦ ઘેટાં-બકરાના મોત થયા છે.

પાટણ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લામાં એકથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. આકાશી આફતની ઘટના બની હતી. સાંતલપુરના વૌવા ગામમાં વીજળી પડી હતી જેમાં એક ખેતરમાં વૃક્ષ નીચે આરામ કરતા ઘેટાં-બકરા ઝપટમાં આવી ગયા હતા. ૩૫થી૪૦ ઘેટાં-બકરા દાજી જતા મૃત હાલતમાં મળી આવતા ઘટનાની જાણ માલિકને કરવામાં આવી હતી. તે બાદ સરપંચને પણ જાણ કરાઇ હતી. સરપંચે તાલુકા વિકાસ અધિકારીને જણાવતા ટીડીઓએ તલાટી કમ મંત્રીને ઘટનાસ્થળે મોકલ્યા હતા. આ ઘટના બની હોવાનું જણાતા અત્યારે વેટરનરી ડાક્ટર પીએમ માટે સ્થળ પર રવાના થયા હતા.

આ ઘટના અંગે તાલુકા વિકાસ અધિકારી કુલદીપ ભાઈએ જણાવ્યું હતુ કે, અમારા પર રાત્રે વૌવાના સરપંચનો ફોન આવ્યો કે, વૌવા ગામની સીમમા વીજળી પડી છે તેમાં એક ખેતરમા વૃક્ષ નીચે આરામ કરતા ઘેટાં-બકરા પર વીજળી પડી છે અને તેઓના મોત થયા છે. તાત્કાલિક તલાટી કમ મંત્રી વિપુલ ભાઈને ઘટના સ્થળે મોકલી તપાસ કરતા બનાવ બન્યાનું ખરાઈ થતા આજે હવે સાંતલપુર તાલુકાના પશુ પાલન વિભાગમાં ફરજ બજાવતા વેટરનરી ડાક્ટર ભૂમિબહેન ઘટના સ્થળ પહોંચી તપાસ હાથ ધરી સ્થળ પર પીએમની કાર્યવાહી હાથ ધરશે.

વેટરનરી ડાક્ટર ભૂમિ બહેન તરલે જણાવ્યું હતું કે, અમે સ્થળ પરથી પીએમ કરીશું અને રિપોર્ટ ડીડીઓને સબમિટ કરીશું. આ ઘટના બનતા પશુપાલક વેલાભાઇ રબારી પર આફત આવી છે અને તેમના પશુઓના મોતથી આર્થિક નુકસાન થયું છે.