જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કુલ ૧,૪૧૭ મતદાન મથકો ઊભા કરાશે
આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાને રાખીને પંચમહાલ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા વિસ્તારો માટે મતદારોની આંકડાકીય માહિતી અને મતદાન મથકોની વિગતો પ્રસિદ્ધ કરવામાં આવી છે.
જિલ્લાની એકંદર સ્થિતિ (જિલ્લા/તાલુકા પંચાયત અને નગરપાલિકા)
સમગ્ર પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હેઠળ કુલ ૧૯૨ મતદારમંડળોનો સમાવેશ થાય છે. આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કુલ ૧,૪૧૭ મતદાન મથકો ઊભા કરવામાં આવશે. જિલ્લામાં કુલ નોંધાયેલા ૧૧,૨૩,૭૬૮ મતદારોમાં પુરુષોનું પ્રભુત્વ જોવા મળે છે.વિગતવાર સંખ્યા જોઈએ તો,પંચમહાલ જિલ્લામાં કુલ મતદારો ૧૧,૨૩,૭૬૮ જેટલા મતદારો નોંધાયા છે.જેમાં પુરુષ મતદારો ૫,૭૬, ૫૮૩નો સમાવેશ થાય છે.જ્યારે સ્ત્રી મતદારો ૫,૪૭,૧૭૨ અને અન્ય (થર્ડ જેન્ડર) ૧૩ જેટલા મતદારો નોંધાયા છે.
પંચાયત સ્તરની વિગતો (જિલ્લા અને તાલુકા પંચાયત)
જિલ્લાની ૭ મુખ્ય તાલુકા પંચાયતો (ગોધરા, કાલોલ, હાલોલ, જાંબુઘોડા, ઘોઘંબા, મોરવા(હ) અને શહેરા) હેઠળ કુલ ૧૭૪ મતદાર મંડળો છે.જેમાં ગોધરા તાલુકામાં સૌથી વધુ મતદારો કુલ ૨,૧૩,૯૮૮ મતદારો નોંધાયા છે. જ્યારે જાંબુઘોડા તાલુકામાં ૩૧,૧૪૧ સૌથી ઓછા મતદારો છે.જે અન્વયે ગ્રામ્ય સ્તરે કુલ ૧,૨૬૫ મતદાન મથકો કાર્યરત રહેશે.
નગરપાલિકા સ્તરની વિગતો જોઈએ તો…
શહેરી વિસ્તારોની વાત કરીએ તો ગોધરા અને શહેરા નગરપાલિકા માટે અલગથી આંકડા જાહેર કરાયા છે:
ગોધરા નગરપાલિકામાં ૧૧ મતદારમંડળ અને ૧૨૩ મતદાન મથકો સાથે કુલ ૧,૨૧,૯૫૧ મતદારો નોંધાયેલા છે. જ્યારે શહેરા નગરપાલિકામાં ૭ મતદાર મંડળ અને ૨૯ મતદાન મથકો સાથે કુલ ૨૫,૪૬૭ મતદારો છે.આમ,કુલ બંને નગરપાલિકા કુલ ૧,૪૭,૪૧૮ જેટલા શહેરી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
મુખ્ય આંકડાકીય હાઈલાઈટ્સ
લિંગ ગુણોત્તર: પંચાયત વિસ્તારોમાં ૫,૦૦,૮૧૩ પુરુષો સામે ૪,૭૫,૫૨૮ સ્ત્રી મતદારો છે. જ્યારે નગરપાલિકા વિસ્તારોમાં ૭૫,૭૭૦ પુરુષો સામે ૭૧,૬૪૪ સ્ત્રી મતદારો છે.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન થાય તે હેતુથી તમામ ૧,૪૧૭ મથકો પર જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.તથા તમામ નાગરિકોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અને અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.