નસવાડીમાં બે દિવ્યાંગ બાળકોને સર્ટિફિકેટ માટે ધકકા ખવડાવતા ઉગ્ર રોષ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાડિયા (ઝરખલી)પ્રા.શાળામાં અભ્યાસ કરતા બે દિવ્યાંગ બાળકોને છેલ્લા બે વર્ષથી દિવ્યાંગતા પ્રમાણપત્ર મેળવવા માટે ધકકા ખાવા પડી રહ્યા છે. અનેક કેમ્પમાં બાળકોની તપાસ કરાવ્યા બાદ પણ હજુ સુધી બંને બાળકોને દિવ્યાંગતા પ્રમાણપત્ર આપવામાં આવ્યુ નથી.

વાડિયા(ઝરખલી)પ્રા.શાળામાં ધો.-૪માં અભ્યાસ કરતા બંને બાળકોને મગજ અને હાથ-પગમાં તકલીફ હોવાનુ વાલીઓનુ કહેવુ છે. ગત વર્ષે બોડેલી ખાતે દિવ્યાંગ બાળકો માટે કેમ્પ યોજાયો હતો. વાલીઓ બાળકોને લઈને કેમ્પમાં પહોંચ્યા હતા. અને તબીબો દ્વારા બાળકોની ચકાસણી પણ કરવામાં આવી હતી. જોકે તપાસ બાદ પણ બાળકોને દિવ્યાંગતા પ્રમાણપત્ર મળ્યુ નહોતુ. ત્યારબાદ થોડા દિવસો પહેલા નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગ બાળકો તેમજ અન્ય શારીરિક તરલીફ ધરાવતા બાળકો માટે પ્રમાણપત્ર આપવાનો કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં વડોદરાની ગોૈત્રી હોસ્પિટલના તબીબો પણ ઉપસ્થિત રહ્યા હતા. બંને બાળકોને ફરીથી કેમ્પમાં લઈ જવાયા હતા. પરંતુ આ વખતે પણ પ્રમાણપત્ર ન મળતા બાળકો અને તેમના વાલીઓને નિરાશ થઈને ધરે પરત ફરવુ પડ્યુ હતુ. દિવ્યાંગ બાળકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે દિવ્યાંગતા પ્રમાણપત્ર આપવાનુ હોય છે. ત્યારે આ પ્રમાણપત્ર મેળવા માટે જ જો બાળકો અને તેમના વાલીઓને વારંવાર કેમ્પના ધકકા ખાવા પડે તો સરકારી યોજનાઓનો લાભ કેવી રીતે મેળવી શકે તેવો સવાલો ઉભો થયો છે.