નસવાડી સીએચસીમાં ૪ વર્ષથી દાંતના તબીબ વગર લાખોના મશીન નકામા

નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ચાર વર્ષથી દાંતના ડોક્ટરના અભાવથી દાંતના દર્દીઓ આમતેમ ભટકીને શહેર તરફ દોડવા મજબૂર બન્યા છે. તો આધુનિક સુવિધાવાળા દાંતના મશીનો ધૂળ ખાઈ રહ્યા છે. ગઢબોરિયાદ સીએચસીમાં દાંતના ડોક્ટરલ છે પરંતુ નસવાડીમાં જ નહીં હોવાથી લોકોને હાલાકી પડે છે.

સરકાર એકબાજુ નેશનલ હેલ્થ ‚લર મિશન અંતર્ગત આદિવાસી વિસ્તારમાં આરોગ્ય લક્ષી સુવિધાઓ વધારી રહી છે. ત્યારે બીજીબાજુ ડોક્ટરના અભાવે આરોગ્ય લક્ષી સુવિધાઓમાં ઘટાડો થઇ રહ્યો છે. નસવાડી તાલુકાના ૨૧૨ ગામનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર નસવાડીમાં આવેલું છે. છતાં અહીં દાંતના ડોક્ટરનો અભાવ છે. જેના કારણે નસવાડી ટાઉનના દર્દીઓ અન્ય દવાખાને જવા મજબૂર બને છે. તો કેટલાય દર્દીઓ શહેરો બાજુ જઇ રહ્યા છે. આમ આદિવાસી દર્દીઓને અપૂરતી સુવિધાઓને લઇ હેરાન થવું પડે છે. નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હાલ દાંતના દર્દી આવે છે. પરંતુ ડોક્ટર ન હોય એટલે તેઓ જાય ક્યાં? નોર્મલ દવા લઇ રવાના થઇ જાય છે.

ચૂંટાયેલા નેતાઓ પણ કોઇ દિવસ નસવાડી સીએચસીની મુલાકાત લેતા નથી. અહીં ભાજપના મોટા નેતાઓ રહેવા છતાં તેઓ પણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય લક્ષી સુવિધા બાબતે ડોકિયું પણ કરતા નથી. છેલ્લા ચાર વર્ષથી દાંતના ડોક્ટરનો અભાવ હોવા છતાં તાલુકા જીલ્લા આરોગ્ય તંત્ર પણ ધ્યાન નથી આપતું. ગઢબોરિયાદ સીએચસીમાં રહેલા દાંતના ડોક્ટરને ડેપ્યૂટેશન ઉપર નસવાડી મૂકવામાં આવે તો દર્દીઓને સારવાર મળે તેમ છે. હવે આ બાબતે આરોગ્ય તંત્ર ક્યારે જાગશે જોવું રહ્યું.

૨૧૨ ગામનું સીએચસી છતાં દાંતના ડોક્ટરનો અભાવ નસવાડી તાલુકાનું મુખ્ય સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોવા છતાં અહીં દાંતના ડોક્ટર નથી. દરરોજ દાંતના દર્દી આવતા હોય છે, જેમને ડોક્ટર નથી તેવું સાંભળીને પાછા જવું પડે છે. સરકારના આરોગ્ય લક્ષી સેવાની મસમોટી જાહેરાતને લઇ દર્દીઓ પણ વાતો કરી રહ્યા છે. ચાર વર્ષથી ડોક્ટર નથી તો જીલ્લા તાલુકાના ઉચ્ચ અધિકારીઓએ શું ધ્યાન આપ્યું એ વિચારવા જેવું છે.

દાંતના દુખાવાથી દવાખાને આવ્યા, પણ ડોકટર નથી એટલે અમારે બહાર જવું પડશે નસવાડીમાં આટલું મોટું દવાખાનું હોવા છતાં દાંતના ડોક્ટર નથી. જેથી હવે અમારે બહાર જવું પડશે. કેટલાય વર્ષથી ડોક્ટર નથી, એવું જાણ્યું તો અમારે કહેવું છે કે તત્કાલ ડોક્ટર મૂકવા જોઈએ. દર્દી પાછા જાય એના કરતાં આરોગ્ય લક્ષી સુવિધા કાર્યરત કરવી જોઈએ. લાખો ‚પિયાના મશીન ધૂળ ખાઈ રહ્યા છે એનો શું મતલબ? ગમે ત્યાંથી ડોક્ટર મૂકો.:- રમણ રાઠવા, નસવાડી…