–લીમખેડા કોર્ટ દ્વારા કોર્ટ કમિશનરની નિમણુંક કરાઈ
લીમખેડા તાલુકાની પાડલીયા ગ્રુપ ગ્રામ પંચાયતની વર્ષ-૨૦૨૫માં યોજાયેલી સરપંચ પદની ચુંટણીમાં મતોની ગણતરીમાં ગેરરિતી અને બેદરકારીના આક્ષેપો સાથે થયેલી અરજીમાં લીમખેડાની પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજની કોર્ટે તમામ પુરાવાઓ અને મતોના આંકડામાં રહેલી વિસંગતતાને ધ્યાને લઈ ફેર મત ગણતરી કરવા આદેશ કર્યો છે.
ગત તા.૨૨ જુન ૨૦૨૫ના રોજ પાડલીયા ગ્રુપ ગ્રામ પંચાયતની નાનીવાવ અને પાડલીયા ગામની ચુંટણી યોજાઈ હતી. તા.૨૫ જુનના રોજ લીમખેડાની મોડેલ સ્કુલમાં મત ગણતરી બાદ સરપંચ પદે રાવત સોહિલભાઈ પ્રવિણભાઈને વિજેતા જાહેર કરાયા હતા. જયારે તેમના હરીફ ઉમેદવાર નિનામા સરતનભાઈ કાનજીભાઈને ૬૯૯ મત મળ્યા હતા. જેઓ માત્ર ૧૫ મતોથી હારી ગયા હોવાનુ જાહેર કરાયુ હતુ. આ ગણતરીમાં ઉતાવળ કરાઈ હોવાની અને પરિણામ પત્રક પર સહી નહિ લીધી હોવાના આક્ષેપ સાથે સરતનભાઈ નિનામાએ લીમખેડાની કોર્ટમાં ન્યાયની દાદ માંગતી અરજી દાખલ કરી હતી. અરજદારે કોર્ટમાં રજુ કરેલા દસ્તાવેજો મુજબ વોર્ડ વાઈઝ મતોના સરવાળો ૨૬૩૦ થાય છે. જયારે સરકારી આંકડા (નમુના ૨૭-ક)માં કુલ ૨૯૫૯ મતો દર્શાવાયા છે. આ ઉપરાંત મતદાન વખતે ૨૬૬૬ મતો પડ્યા હોવાનો પણ દાવો કરાયો હતો. આમ મતોના આંકડામાં મોટી વિસંગતતા અને જીતનુ માર્જીન માત્ર ૧૫ મતોનુ હોવાથી કોર્ટે સ્વિકાર્યુ કે પ્રાથમિક દ્રષ્ટિએ ગણતરીમાં ભુલ થઈ હોવાની શકયતા છે. કોર્ટે સરપંચ પદ માટે થયેલા તમામ મતોની ફેર ગણતરી કરવાની મંજુરી આપી છે. કોર્ટે ફેર મત ગણતરીની અરજી મંજુર કરતા અરજદારને ન્યાયની આશા બંધાઈ છે.