લીમખેડાના કુણધા ગામે પાકા માર્ગની સુવિધાના અભાવે સગર્ભાને નાછુટકે રસ્તા વચ્ચે પ્રસૃતિ કરાવાઈ

લીમખેડા તાલુકાના કુણધા ગામે પાકા માર્ગની સુવિધાના અભાવે એમ્બ્યુલન્સ પણ ગામ સુધી નહિ પહોંચી શકતા સગર્ભાને રસ્તા વચ્ચે જ પ્રસૃતિ કરાવવાની ફરજ પડી હતી. જોકે સ્થાનિક આશાવર્કરની મદદને કારણે માતા અને નવજાત બાળકનો જીવ બચ્યો હતો. પ્રસૃતિ બાદ માતા અને બાળકને એમ્બ્યુલન્સ મારફતે લીમખેડા હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

કુણધા ગામની મહિલાને વહેલી સવારે પ્રસૃતિની પીડા ઉપડતા પરિવારજનોએ દોડધામ કરી હતી. પરંતુ યોગ્ય માર્ગ સુવિધાના અભાવે ઈમરજન્સી સેવા તેમના ધર સુધી પહોંચી શકે તેમ નહિ હોવાથી પરિવારજનોએ આશાવર્કર મેનાબેન કટારાને જાણ કરતા તેઓએ સ્થળ પરથી મહિલાની તપાસ કરી તાત્કાલિક તબીબી સહાયની જ‚ર હોવાનુ જણાતા એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પરંતુ ફળિયા સુધી વાહન પહોંચી શકે તેમ નહિ હોવાથી એમ્બ્યુલન્સને દુર ઉભી રખાવવી પડી હતી. જે બાદ પરિવારજનો સગર્ભાને ચાલીને નજીકના માર્ગ સુધી લઈ જવા મજબુર બન્યા હતા. જોકે માર્ગમાં જ પીડા ઉપડતા મહિલાને ખુલ્લામાં જ બાળકને જન્મ આપવો પડ્યો હતો. જોકે આશાવર્કરની સમયસરની મદદથી માતા અને નવજાત બાળક સુરક્ષિત રહ્યા હતા. માતા અને બાળકને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી લીમખેડા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં બંને સ્વસ્થ હોવાનુ જાણવા મળ્યુ છે.