કાલોલમાં સ્ટ્રીટ લાઇટની કામગીરીનું ટોપ લેવલ નિરીક્ષણ : નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે વિસ્તારની મુલાકાત લીધી

“સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત કાલોલ નગરમાં ચાલી રહેલી સ્ટ્રીટ લાઇટની કામગીરીને વધુ વેગ મળ્યો છે. કાલોલ નગરના વિવિધ વિસ્તારો જેમાં શામળદેવી તળાવડી વાળી સોસાયટીઓ, પાણીની ટાંકી વિસ્તાર, સ્ટેશન રોડ અને નવી સોસાયટીઓ તરફ ના વિસ્તારોમાં થાંભલાઓ ઉપર સ્ટ્રીટ લાઇટ લગાવવાની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ ચાલતી કામગીરીનું કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા અને ચીફ ઓફિસર સંજયભાઈ પટેલ દ્વારા સ્થળ પર જઈને બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બંને અધિકારીઓએ કામની ગુણવત્તા, થાંભલાઓની મજબૂતાઈ અને LAD લાઈટોની કામગીરી અંગે જાત માહિતી મેળવી હતી અને કામ ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. જ્યાં આ નિરીક્ષણ દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાલોલ શહેરના અંધારિયા વિસ્તારોને ઝળહળતા કરવાના આ પ્રયાસને સ્થાનિક રહીશો દ્વારા આવકારવામાં આવી રહ્યો છે.