
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અયક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા ટૂંક સમયમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરની મુલાકાત લેશે અને સ્થાનિક લોક્સભા સાંસદ દ્વારા આયોજિત સાંસદ ખેલ મહોત્સવના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.
સાંસદ ખેલ મહોત્સવ એ કેન્દ્ર સરકારની ‘ફિટ ઇન્ડિયા’ પહેલ હેઠળ દેશભરમાં યોજાતો મહત્વપૂર્ણ કાર્યક્રમ છે, જેનો ઉદ્દેશ્ય યુવાનોમાં રમતગમતની ભાવના જગાવવી, ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રમતગમતની સુવિધાઓ વધારવી તેમજ સ્થાનિક પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાનો છે. આ મહોત્સવમાં ગામડા, બ્લોક અને લોક્સભા સ્તરે વિવિધ રમતોના સ્પર્ધાઓ યોજાય છે, જેમાં હજારો ખેલાડીઓ ભાગ લે છે.
બનાસકાંઠા લોક્સભા વિસ્તારમાં આયોજિત આ ખેલ મહોત્સવના સમાપન સમારોહમાં જે.પી. નડ્ડાની હાજરીથી કાર્યક્રમને વધુ મહત્વ મળશે. આ પ્રસંગે વિજેતા ખેલાડીઓને પુરસ્કાર વિતરણ કરવામાં આવશે તેમજ રમતગમતના વિકાસ માટેના નવા પગલાંની જાહેરાત પણ થઈ શકે છે.