અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો : હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

સુપ્રસિદ્ધ યાત્રાધામ અને ૫૧ શક્તિપીઠોમાં આદ્યશક્તિપીઠ ગણાતા અંબાજી મંદિરને લઈને એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. મંદિરની સ્થાપના બાદ અત્યાર સુધીના ઈતિહાસમાં કદાચ આ સૌથી મહત્વનો નિર્ણય માનવામાં આવી રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટે વર્ષોથી ચાલી આવતી એક પરંપરામાં મોટો ફેરફાર કરતો હુકમ જાહેર કર્યો છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં અત્યાર સુધીની પરંપરા મુજબ આસો માસની નવરાત્રિની આઠમની વિશેષ પૂજા અને દર્શનનો વિશેષાધિકાર માત્ર દાંતાના મહારાજા અને તેમના વંશજો પાસે જ હતો. આ સમયે સામાન્ય ભક્તો માટે દર્શન પર મર્યાદાઓ રહેતી હતી. વર્ષોથી ચાલી આવતી આ પ્રથાને કારણે રાજવી પરિવાર આ પૂજાનો હક ધરાવતો હતો.

તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે આ બાબતે મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું છે કે નવરાત્રિની આઠમની પૂજા અને દર્શનનો અધિકાર માત્ર રાજવી પરિવાર પૂરતો સીમિત રહેશે નહીં. હવેથી તમામ સામાન્ય ભક્તો પણ આઠમની મહાપૂજા અને દર્શનનો લાભ લઈ શકશે. ભક્તોની આસ્થાને યાનમાં રાખીને કોર્ટે આ દર્શનનો વ્યાપ વધારવાનો નિર્ણય લીધો છે.

આ ચુકાદા બાદ દાંતા રાજવી પરિવાર તરફથી પણ નિવેદન સામે આવ્યું છે. રાજવી પરિજન રિદ્ધિરાજ સિંહજીએ જણાવ્યું હતું કે અમે અમારા હક્ક અને પરંપરા માટે આગળ સુધી લડત ચાલુ રાખીશું. જોકે, જ્યાં સુધી કોર્ટના હુકમની નકલ સત્તાવાર રીતે અમારા હાથમાં ન આવે, ત્યાં સુધી અમે આ બાબતે કોઈ વિસ્તૃત ટિપ્પણી કરવા માંગતા નથી.

મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર હવે હાઈકોર્ટના આ આદેશના અમલીકરણ માટેની તૈયારીઓ કરશે. આ નિર્ણયથી લાખો માઈભક્તોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે હવે તેમને આઠમની પવિત્ર પૂજાના દર્શનનો લ્હાવો મળી શકશે.