
JCI Week 2026 અંતર્ગત JCI બાલાસિનોર દ્વારા યુવાનો અને વિદ્યાર્થીઓમાં નેતૃત્વ ક્ષમતા, આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ વિકાસ અને અસરકારક વક્તૃત્વ કૌશલ્ય વધારવાના હેતુથી બે ખાસ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
JCI બાલાસિનોરે નવગુજરાત આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ, બાલાસિનોર ખાતે JCI ઓરિએન્ટેશન સેશન રાખ્યું હતું. આ સેશન JC વિકેન સોની અને વડોદરાના ટ્રેનર JC હિરલ મજમુદારે સંચાલિત કર્યું હતું, જેમાં સફળતા કેવી રીતે મેળવી શકાય તેની ચર્ચા થઈ હતી.
આ સેશનમાં JCIની કામગીરી, યુવાનો માટે નેતૃત્વની તકો, વ્યક્તિગત વિકાસ, સામાજિક જવાબદારી અને સમાજમાં સારા બદલાવ લાવવામાં યુવાનોની ભૂમિકા વિશે માર્ગદર્શન અપાયું હતું. હાજર રહેલા યુવાનોને ‘શીખો, આગળ વધો, જોડાઓ અને નેતૃત્વ કરો’ના વિચાર સાથે આગળ વધવા માટે પ્રેરણા મળી હતી.
આ સિવાય, બાલાસિનોરની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ‘યુથ લીડરશિપ એન્ડ વોઇસ ડે’ હેઠળ આંતર-શાળા વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં આઠ અલગ-અલગ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. તેમણે જાહેર મંચ પરથી આત્મવિશ્વાસ સાથે પોતાની વક્તૃત્વ કળા અને વિચારો રજૂ કર્યા.
જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલના બંને વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને વિજેતા બન્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓનો સ્ટેજ ફિયર દૂર કરીને આત્મવિશ્વાસ વધારવાનો, જાહેર મંચ પર પોતાના વિચારો અસરકારક રીતે રજૂ કરવાની કળા વિકસાવવાનો અને તેમને ભવિષ્યના સક્ષમ નેતાઓ તરીકે તૈયાર કરવાનો હતો.
બંને કાર્યક્રમો JCI બાલાસિનોરના પ્રમુખ JC અચલ રાવલના નેતૃત્વમાં યોજાયા હતા. આ આયોજનમાં કોલેજ તરફથી ડો. ડી.પી. માછી અને JCI બાલાસિનોરની ટીમે મહત્વનો સહયોગ આપ્યો હતો. આ બંને કાર્યક્રમો દ્વારા JCI બાલાસિનોરે યુવા પેઢીને શીખવા, પોતાની આવડત બતાવવા, આત્મવિશ્વાસ સાથે આગળ વધવા અને સમાજ માટે સક્ષમ નેતા બનવા માટે પ્રેરણા આપી હતી.