હાલોલના નાથકુવા પાસે કાર ચાલકે રાહદારી બે શ્રમિકોને અડફેટે લેતા મોત

હાલોલના નાથકુવા પાસે કાર ચાલકે ચાલતા જતાં બે શ્રમિકોને અડફેટે લેતા એકનુ ધટના સ્થળે જયારે અન્યને વધુ સારવાર માટે વડોદરા ખસેડતા રસ્તામાં મોત નીપજયું હતુ. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ જતાં કાર ચાલકને ૧૧૨ ટીમે દબોચી પાવાગઢ પોલીસને સોંપ્યો હતો.

દાહોદ જિલ્લાના દે.બારીઆ તાલુકાના માંડવ ગામના દિનેશભાઈ ગોબરભાઈ કોળી અને સાતકુંડા ગામના ભરતભાઈ બકાભાઈ બારીયા શિવરાજપુર-પાવાગઢ વિસ્તારમાં એમજીવીસીએલની કામગીરી સાથે જોડાયેલા હતા. બંને રોડ પરથી ચાલતા જઈ રહ્યા હતા તે દરમિયાન બેફામ અને પુરપાટ ઝડપે આવેલી એક કારના ચાલકે તેમને જોરદાર ટકકર મારી અકસ્માત સર્જયો હતો. અકસ્માત સર્જી ફરાર થયેલા કાર ચાલકને ૧૧૨ જનરક્ષકની ટીમે સતર્કતા દાખવી પીછો કરીને ઝડપી પાડી પાવાગઢ પોલીસને સોંપ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ પાવાગઢ પોલીસ અને શિવરાજપુ આઉટપોસ્ટનો સ્ટાફ સ્થર પર આવી પહોંચ્યો હતો. અકસ્માતમાં દિનેશભાઈ કોળીનુ ધટના સ્થળે જ મોત નીપજયું હતુ. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પી.એમ.અર્થે ખસેડી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.જયારે ગંભીર રીતે ધવાયેલા ભરતભાઈ બારીયાને ૧૦૮ મારફતે હાલોલ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. જયાં તેમની સ્થિતિ વધુ નાજુક હોવાથી વડોદરા રિફર કરાતા રસ્તામાં જ મોત નીપજયું હતુ. આ બાબતે પાવાગઢ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.