દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ તા.૫ જુન-૨૦૨૬ ના રોજ તલાટી કમ મંત્રીઓની આંતરિક બદલીના આદેશો કર્યા હતા. આ મુજબ સીંગવડ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં નવા તલાટી કમ મંત્રીઓને હાજર થવાનુ હતુ. પરંતુ દોઢ મહિના બાદ પણ કેટલીક જગ્યાએ જુના તલાટીઓએ ચાર્જ સોંપ્યો નથી. પરિણામે જાતિ, આવક સહિતના જરી દાખલાઓ મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે. તેમજ ખેડુતોને સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
ચાર્જના અભાવે ગ્રામ પંચાયતના વિકાસના કામો, દૈનિક વહીવટ, અને ૧૫માં નાણાંપંચ સહિતની કેટલીક જગ્યાઓના ચેકબુક આધારિત નાણાંકિય વ્યવહારો પણ અટવાઈ ગયા છે. જેના કારણે વેપારીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનો અને સ્થાનિક આગેવાઓને જિલ્લા વિકાસ અધિકારી હસ્તક્ષેપ કરીને ચાર્જ હસ્તાંતરણની પ્રક્રિયા પુર્ણ કરવાની માંગ કરી છે.