ગોધરા રેલ્વે સ્ટેશનની લિફટ કેસમાં કોન્ટ્રાકટરને નોટિસ

ગોધરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં.-૪/૫ પર લોકાર્પણના ગણતરીના કલાકોમાં જ નવીન લિફટ ખોટકાઈ જવાની ગંભીર ધટના બાદ રેલ્વે તંત્ર દોડતુ થઈ ગયુ છે. શુક્રવારની રાત્રે લિફટ બંધ પડી જતાં ત્રણ મહિલા અને ત્રણ પુ‚ષો સહિત ૬ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા.

ફાયરબિગ્રેડ દ્વારા અંદાજે ૪૦ થી ૪૫ મિનીટના ભારે રેસ્કયુ બાદ ડ્રીલ મશીનથી દરવાજો કાપીને તમામ મુસાફરોને સક્ષમ રીતે બહાર કાઢ્યા હતા. આ ધટનાની કડક નોંધ લઈને રેલ્વે તંત્ર દ્વારા સંબંધિત કોન્ટ્રાકટર સામે આકરા પગલા ભરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા કોન્ટ્રાકટરને કારણદર્શક નોટિસ ફટકારીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ભવિષ્યમાં આવી કોઈ હોનારત ન સર્જાય તે હેતુથી ખોટકાયેલી આખી લિફટ જ બદલી નાંખીને તેની જગ્યાએ તદ્દન નવી લિફટ ઈન્સ્ટોલ કરી દેવામાં આવી છે. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર લિફટ કાર્યરત થતાં હજુ બે ત્રણ દિવસ જેટલો સમય લાગશે.