ગુજરાતમાં ‘ફિક્સ પે મુદ્દે કર્મચારીઓનો અવાજ, સુપ્રીમ કોર્ટમાં ઝડપી સુનાવણીની માંગ

ગુજરાત સરકારની વર્ષોથી અમલમાં રહેલી ૫ વર્ષની ફિક્સ પે નીતિ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. રાજ્યના સરકારી કર્મચારીઓએ હવે સીધાસુપ્રીમ કોર્ટ tનો દરવાજો ખખડાવી કેસની વહેલી સુનાવણી કરવાની માંગ ઉઠાવી છે. છેલ્લા ૧૪ વર્ષથી પડતર રહેલા કેસનો તાત્કાલિક નિકાલ થાય તેવી માંગ સાથે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને ઈમેલ મોકલવામાં આવ્યો છે.

મનોજ દાતલા નામના સરકારી કર્મચારીએ મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે તેઓ સહિત હજારો કર્મચારીઓ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને અન્ય સરકારી ભરતી એજન્સીઓ દ્વારા નિયમિત ભરતી પ્રક્રિયા હેઠળ પસંદ થયા હતા, પરંતુ તેમને ૫ વર્ષની ફિક્સ પે નીતિ હેઠળ નિમણૂક આપવામાં આવી હતી.

આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં એસએલપી નં. ૧૪૧૨૪-૧૪૧૨૫/૨૦૧૨ તરીકે છેલ્લા ૧૪ વર્ષથી પડતર છે. હાલમાં આ કેસ જસ્ટિસ સૂર્યકાન્ત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ છે.

અરજદારે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં લાંબા સમયથી પડતર રહેલા સિવિલ અને ક્રિમિનલ કેસોના ઝડપી નિકાલ માટે વિશેષ બેન્ચની રચના કરવામાં આવી છે. તેથી આ કેસને પણ પ્રાથમિકતા આપીને અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

કર્મચારીઓનું કહેવું છે કે આ માત્ર કાનૂની વિવાદ નથી, પરંતુ હજારો સરકારી કર્મચારીઓના કારકિર્દી, આર્થિક હકો અને ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવતો મુદ્દો છે. વર્ષો સુધી ઓછી ફિક્સ પે પર સેવા આપનાર કર્મચારીઓ અંતિમ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. અરજદારે જણાવ્યું છે કે ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે બંધારણીય અને કાનૂની તમામ પાસાઓનું વિશ્લેષણ કરીને વિગતવાર ચુકાદો આપ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી સ્પેશિયલ લીવ પિટિશન છેલ્લા ૧૪ વર્ષથી પેન્ડિંગ હોવાથી કર્મચારીઓને હજુ સુધી અંતિમ રાહત મળી શકી નથી.હવે સુપ્રીમ કોર્ટ દ્વારા જૂના કેસોના ઝડપી નિકાલ માટે વિશેષ બેન્ચ બનાવવામાં આવતા કર્મચારીઓમાં આશા જાગી છે કે ફિક્સ પે મુદ્દે પણ વહેલી તકે અંતિમ નિર્ણય આવશે.