
ગોધરા શહેરના રાની મસ્જિદ નજીક એક રહેણાંક મકાનના ત્રીજા માળે અઈમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ ઘટના રઝાકભાઈ કલોટાના મકાનમાં બની હતી. અઈમાં શોર્ટ સર્કિટ થવાને કારણે ત્રીજા માળે આગ ફાટી નીકળી હતી, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ ગોધરા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ સતત કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
ઘટનાની ગંભીરતાને જોતા બી ડિવિઝન પોલીસ મથકની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ ઈશાનત સોનીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આગને કારણે મકાનના ત્રીજા માળ પર રહેલો ઘરનો સામાન અને અન્ય મિલકતને મોટું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અહેવાલો દર્શાવે છે.
જોકે, આ દુર્ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી કે કોઈ જાનહાનિ થઈ નથી, જે એક રાહતની વાત છે. આગની ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. પ્રાથમિક તપાસ મુજબ, આગ લાગવાનું મુખ્ય કારણ અઈમાં થયેલું શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે.