
દેશના સૌથી પ્રાચીન અને ઐતિહાસિક ધાર્મિક સ્થળોમાં ગણાતા સોમનાથ મંદિરને લઈને કરવામાં આવેલી એક જાહેર હિતની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ અરજીમાં સોમનાથ મંદિર અને તેની આસપાસના વિસ્તારમાં બૌદ્ધ સંસ્કૃતિના અવશેષો હોવાના સંભવિત દાવાઓ અંગે વર્ષ ૨૦૧૭માં આઇઆઇટી ગાંધીનગર અને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડીયાદ્વારા તૈયાર કરાયેલા અભ્યાસ અને રિપોર્ટને જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રના એક રહેવાસી દ્વારા દાખલ કરાયેલી આ અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે સોમનાથ મંદિર પરિસરનો ઐતિહાસિક અને પુરાતત્વીય અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેના તારણો જાહેર કરવામાં આવ્યા નથી. અરજદારે કોર્ટને વિનંતી કરી હતી કે સંબંધિત રિપોર્ટ જાહેર કરવામાં આવે જેથી સંશોધકો, ઇતિહાસકારો અને સામાન્ય નાગરિકોને સત્ય હકીકત જાણવા મળે.
અરજદાર તરફથી એડવોકેટ રત્ના વોરાએ રજૂઆત કરી હતી કે સોમનાથ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે પણ અત્યંત મહત્વનું સ્થળ છે. જો સરકારી એજન્સીઓ અથવા સંશોધન સંસ્થાઓ દ્વારા કોઈ પુરાતત્વીતય અભ્યાસ કરવામાં આવ્યો હોય તો તેની વિગતો જાહેર જનતાની જાણ માટે ઉપલબ્ધ થવી જોઈએ.અરજદારે વધુમાં દલીલ કરી હતી કે માહિતી જાહેર થવાથી ઐતિહાસિક સંશોધનને પ્રોત્સાહન મળશે અને સોમનાથના પ્રાચીન ઇતિહાસ અંગેની વિવિધ માન્યતાઓ અને દાવાઓનું તથ્યાત્મક મૂલ્યાંકન થઈ શકશે.
રાજ્ય સરકાર તરફથી સરકારી વકીલ જી એચ વિર્ક એ કોર્ટ સમક્ષ આ અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે રજૂઆત કરી હતી કે અરજીમાં કોઈ વાસ્તવિક જાહેર હિત દેખાતું નથી અને અરજદારનો મુદ્દો માત્ર અનુમાન અને કલ્પનાઓ પર આધારિત છે.
સરકારે દલીલ કરી હતી કે સંબંધિત મુદ્દે કોઈ એવો આધારભૂત પુરાવો રજૂ કરવામાં આવ્યો નથી જે કોર્ટના હસ્તક્ષેપને યોગ્ય ઠરાવે. વધુમાં, જાહેર હિતની અરજીનો ઉપયોગ માત્ર ચર્ચા ઉભી કરવા અથવા સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે થઈ શકે નહીં.
ગુજરાત હાઈકોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે પીઆઇએલ વ્યવસ્થા ન્યાય મેળવવા માટેનું શક્તિશાળી સાધન છે, પરંતુ તેનો ઉપયોગ બિનજરૂરી વિવાદો ઊભા કરવા અથવા વ્યક્તિગત હેતુઓ માટે થઈ શકતો નથી.કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે અરજદારે રજૂ કરેલી સામગ્રી અને દલીલો કોઈ મજબૂત જાહેર હિત દર્શાવતી નથી. અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ તથ્યાત્મક અને કાનૂની રીતે પૂરતા પ્રમાણમાં સમર્થિત નથી.
કોર્ટના મત મુજબ, માત્ર શંકા અથવા અટકળોના આધારે કોઈ રિપોર્ટ જાહેર કરાવવા માટે ન્યાયિક હસ્તક્ષેપ માંગવો યોગ્ય નથી.હાઈકોર્ટે અરજી ફગાવવાની સાથે અરજદાર પર ૨ લાખનો ખર્ચ પણ લાદ્યો હતો. કોર્ટનું માનવું હતું કે જાહેર હિતની અરજીનો દુરુપયોગ રોકવો જરૂરી છે. બિનઆધારભૂત અરજીઓના કારણે ન્યાયિક સમય અને સંસાધનોનો બિનજરૂરી વપરાશ થાય છે, જે અન્ય મહત્વના કેસોની સુનાવણીને પણ અસર કરે છે.