
કતારના એલએનજી પ્લાન્ટમાં થયેલી દુર્ઘટનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામના ૩૧ વર્ષીય કિરીટ જયંતીભાઈ કણજારીયાનું કરુણ અવસાન થયું છે. આ દુઃખદ સમાચાર સામે આવતા પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, કિરીટ કણજારીયા છેલ્લા બે વર્ષથી કતારમાં રોજગાર માટે કાર્યરત હતા. રવિવારે ન્દ્ગય્ પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટ દરમિયાન તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.
કિરીટ પરિવારના આર્થિક ભરણપોષણ માટે વિદેશમાં મહેનત કરી રહ્યા હતા. તેમના પરિવારમાં પત્ની, છ વર્ષનો પુત્ર અને દોઢ વર્ષની પુત્રી છે. તેમના નિધનથી બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જ્યારે સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
પરિવારજનો અને સ્થાનિક આગેવાનો દ્વારા કિરીટનો મૃતદેહ કતારથી વતન લાવવા માટે જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શનિવાર સુધીમાં મૃતદેહ ખંભાળિયા પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિક સમાજના આગેવાનો તેમજ જનપ્રતિનિધિઓએ પરિવાર પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે અને સરકાર તરફથી જરૂરી સહાય મળે તેવી માંગ ઉઠાવી છે. ઉપરાંત, વિદેશ મંત્રાલય સમક્ષ પણ મૃતદેહને વહેલી તકે ભારત લાવવા માટે રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ જ દુર્ઘટનામાં સુરતના ડુમ્મસ વિસ્તારના રહેવાસી સની પટેલના મોતની પણ પુષ્ટિ થઈ છે. તેમના પરિવારજનો દ્વારા મૃતદેહની ઓળખ કરવામાં આવી છે અને ભારતીય દૂતાવાસની મદદથી મૃતદેહને ભારત લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
કતારમાં બનેલી આ દુર્ઘટનાએ ગુજરાતના બે પરિવારોને અપૂર્ણ નુકસાન પહોંચાડ્યું છે અને વિદેશમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.