એએમસીની સામાન્ય સભામાં કોંગ્રેસનો હોબાળો, કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા આજે મળી હતી, આ સભામાં વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી હતી. તમામ કમિટીમાં માત્ર ભાજપના સભ્યોને જ સામેલ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના સભ્યોનાં નામ કમિટીમાં ન હોવાથી કોંગ્રેસ પાર્ટીના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

અમદાવાદ મહાનગરપાલિકાની તમામ ૧૭ કમિટીઓમાંથી કોંગ્રેસના સભ્યોને બાકાત રખાતામાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો, મહાનગરપાલિકામાં “ભાજપ તુને ક્યા કિયા, લોકશાહી કા ખૂન કિયા” નારા લગાવ્યા હતા. આ સાથે જ કોંગ્રેસના તમામ સભ્યોએ મહાનગરપાલિકાની સામાન્ય સભામાંથી વાકઆઉટ કર્યું હતું.

કોંગ્રેસના સભ્યોએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, અમદાવાદ શહેરની જનતા સાથે આજે ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે. અમદાવાદ શહેરની જનતાના પ્રાણ પ્રશ્નો હોય તેને હંમેશા શાસક પક્ષ ઘોળીને પી જતું હોય, જનતા ત્રસ્ત થતી હોય, નાગરિકો હેરાન થતા હોય, જ્યારે સમગ્ર અમદાવાદમાં કોઈપણ પ્રકારનો સામનો કરવાનો હોય ત્યારે તેનું મતજબૂત કામ વિપક્ષ તરીકે કરવામાં આવે છે અને અમદાવાદની અંદર મહત્વની સત્તરે સત્તર કમિટીની અંદર એ લોકોએ જ્યારે પણ એમના નામ ડિક્લેર કર્યા ત્યારે તેમણે કોંગ્રેસના નામ કાઢવામાં આવ્યાં અને વિપક્ષને સ્થાન આપવામાં આવ્યું નથી. આ ખૂબ જ નિદનીય બાબત છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ માત્ર કોંગ્રેસ પાર્ટીના સભ્યોને નહિં, વિપક્ષના સભ્યો સાથે નહિ પરંતુ અમદાવાદની જનતા સાથે દ્રોહ કર્યો છે તે સ્પષ્ટ બાબત છે.

જેના વળતા જવાબમાં ભાજપના જશૂ ઠાકરે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, અત્યારે જે બાબતે કોંગ્રેસ રડી રહી છે તેની શરૂઆત કોંગ્રેસ પાર્ટીએ જ કરી હતી, એ લોકો જ્યારે સત્તામાં હતા ત્યારે તેમણે ભારતીય જનતા પાર્ટીના એકપણ સભ્યને નિમ્યો નહોતો, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આજે પણ એજ પ્રકારનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસનું કામ ફક્ત વિરોધ કરવાનું છે. વિકાસની કોઈ વાત કરતા નથી. હમણાં મહાનગરપાલિકાની જે ચૂંટણી થઇ તેમાં અમદાવાદની જનતાએ મતદાન કરી તેમના વિરોધનો જવાબ આપી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીની જવાબદારી જૈનિક વકીલને આપવામાં આવી છે જ્યારે વોટર કમિટીના ચેરમેન તરીકે ધરમશી દેસાઈની પસંદગી કરવામાં આવી છે. હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીની જવાબદારી દિપક પંચાલને સોંપાઈ છે. ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન તરીકે ભાગ્યેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

રેવન્યુ કમિટીના ચેરમેન તરીકે મુકેશ પટેલ, લીગલ કમિટીના ચેરમેન તરીકે વિપુલ પટેલ, મહિલા અને બાળ વિકાસ કમિટીમાં ડિમ્પલ વરિંદાય, હોસ્પિટલ કમિટીમાં ડા. ચાંદની પટેલ, રિક્રીએશન કમિટીમાં જીતુભાઈ ખર્ચરીયા અને એએમટીએસ કમિટીમાં પરાગ નાયકને જવાબદારી સોંપવામાં આવી છે.