અમદાવાદમાં પીવાના પાણીમાં પ્રદૂષણનો ખતરોઃ ૨૧ દિવસમાં ૫૯ જગ્યાના સેમ્પલ ફેલ

અમદાવાદ શહેરમાં પીવાના પાણીની ગુણવત્તાને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. છેલ્લા ૨૧ દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા પાણીના નમૂનાઓમાં ૫૯ સ્થળોએ પ્રદૂષણ હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગ અને મ્યુનિસિપલ તંત્ર માટે પડકાર ઉભો થયો છે.

પ્રદૂષિત પાણીના કારણે શહેરમાં પાણીજન્ય રોગોના કેસોમાં પણ નોંધપાત્ર વધારો જાવા મળ્યો છે. ઉપલબ્ધ આંકડા મુજબ છેલ્લા ત્રણ સપ્તાહમાં ઝાડા-ઊલટીના ૫૭૯ કેસ, ટાઈફોઈડના ૧૫૧ કેસ અને કમળાના ૪૭ કેસ નોંધાયા છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ આંકડા સરકારી આરોગ્ય કેન્દ્રોના છે અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓનો સમાવેશ થતો નથી.

પાણીના સેમ્પલની તપાસ દરમિયાન અનેક વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં ક્લોરિનેશન ન થયાનું પણ સામે આવ્યું છે. પીવાના પાણીમાં ક્લોરિનનું યોગ્ય પ્રમાણ જળવાય તે જરૂરી હોય છે, કારણ કે તે બેક્ટેરિયા અને અન્ય હાનિકારક જીવાણુઓને નષ્ટ કરવામાં મદદરૂપ બને છે. ક્લોરિનેશનની ખામીના કારણે પાણીની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થયા છે.

જ્યારે મચ્છરજન્ય રોગો જેમ કે ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ હાલમાં નિયંત્રણમાં છે, ત્યારે પાણીજન્ય રોગોના વધતા કેસ આરોગ્ય તંત્ર માટે નવી ચિંતાનો વિષય બન્યા છે. હવે તંત્ર દ્વારા પ્રદૂષિત પાણીના સ્ત્રોત શોધવા, પાણીની લાઈનોની તપાસ અને જરૂરી સુધારાત્મક કામગીરી હાથ ધરવાની જરૂરિયાત વધી છે.