ખેડાના વસોમાં ગેરકાયદેસર ફટાકડા કારખાનું ઝડપાયું, ૧૬.૬૧ લાખનો મુદ્દામાલ કબ્જે

ખેડા જિલ્લાના વસોમાં ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવતું કારખાનું પોલીસે ઝડપી પાડ્યું છે. ખેડા એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને આ કાર્યવાહી કરી હતી.

આ દરોડામાં ત્રણ ગોડાઉનમાંથી સ્ફોટક પદાર્થો અને ફટાકડાનો કુલ રૂ. ૧૬,૬૧,૧૩૩નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

એસઓજીની ટીમે વસો ગામે જે.કે. ટ્રેડર્સ નામની ફટાકડા બનાવતી ફેક્ટરીના માલિક જાવેદહુસેન સફીમહંમદ શેખને ઝડપી પાડ્યો છે. આ વ્યક્તિનું લાયસન્સ કલેક્ટર કચેરી દ્વારા મોકુફ કરવામાં આવ્યું હતું છતાં તે ગેરકાયદેસર રીતે કારખાનું ચલાવતો હતો.

બાતમી અનુસાર, આ કારખાનું રહેણાંક વિસ્તારમાં આવેલું હતું. તેમાં મજૂરોને રાખીને વિસ્ફોટક અને જ્વલનશીલ પદાર્થો વાપરીને ફટાકડા બનાવવામાં આવતા હતા. કોઈ પણ પ્રકારની ફાયર સેફ્ટી વ્યવસ્થા વગર આ કામ ચલાવવામાં આવતું હતું, જેનાથી સ્થાનિક લોકોના જીવનને જાખમમાં મૂકવામાં આવતું હતું.