ગોધરાની આનંદ નગર સોસાયટીમાં રસ્તા પર વહેતા ગટરના ગંદા પાણીની લોકો પરેશાન

ગોધરા શહેરની આનંદ નગર સોસાયટીના મુખ્ય માર્ગ પર છેલ્લા ત્રણ મહિનાથી ગટરનુ ગંદુ પાણી વહી રહ્યુ હોવાના કારણે સ્થાનિક રહિશો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ચોમાસાની ઋતુમાં ગંદા પાણીના ભરાવાથી મચ્છર અને જીવાતોનો ઉપદ્રવ વધતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ આનંદ નગર સોસાયટીના મુખ્ય માર્ગ પર બી-લાઈન તરફથી ગટરનુ ગંદુ પાણી સતત બહાર આવી રોડ પર વહે છે. લાંબા સમયથી ગટરોની યોગ્ય સફાઈ અને ડ્રેનેજની સમસ્યાનુ નિરાકરણ ન આવતા સ્થિતિ વધુ ગંભીર બની છે. ગંદુ પાણી રોડ પર ભરાઇ રહેતા રાહદારીઓ તથા વાહનચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. આ માર્ગનો ઉપયોગ આસપાસની આશરે ૧૦ જેટલી સોસાયટીના રહિશો અવર જવર માટે કરે છે. આનંદનગર સોસાયટીમાં પણ અંદાજે ૫૦૦ જેટલા પરિવારો વસવાટ કરતા હોવાથી રોજબરોજ મોટી સંખ્યામાં લોકો આ માર્ગ પરથી પસાર થાય છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ગટર સમસ્યા અંગે નગરપાલિકા તંત્રને અનેક વખત રજુઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી. રહિશોએ તાત્કાલિક ગટર વ્યવસ્થાની સફાઈ કરાવી ગંદા પાણીનો કાયમી નિકાલ કરવા તેમજ વિસ્તારમાં દવાનો છંટકાવ કરવાની માંગ કરી છે.