જેસાવાડા KGBV ની ધોરણ 10 ની વિદ્યાર્થીનીનો ગળેફાંસો ખાઈ આપઘાત,અગમ્ય કારણોસર જીવનલીલા સંકેલી.

જેસાવાડા KGBV ની ધોરણ 10 ની વિદ્યાર્થીનીનો ગળેફાંસો ખાઈ આપઘાત,અગમ્ય કારણોસર જીવનલીલા સંકેલી.

કાલ સુધી જે દીકરી પોતાની માતા સાથે વ્હાલ કરતી હતી, જે પિતાના સપનાઓ પૂરા કરવા ભણવામાં મન પરોવતી હતી, તે ૧૫ વર્ષની માસૂમ શિલ્પાએ અચાનક એવું તે શું દુઃખ આવી પડ્યું કે તેણે જીવનનો અંત આણી દીધો? ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) માંથી એક કાળજું કંપાવી દે તેવી અત્યંત દુઃખદ અને લાગણીસભર ઘટના સામે આવી છે. ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય વિદ્યાર્થીની શિલ્પાબેન પલાસે ગત સાંજે આશ્રમશાળાના રૂમમાં જ ગળેફાંસો ખાઈને પોતાની જિંદગી ટૂંકાવી લીધી છે.

મળતી માહિતી મુજબ, ગઈકાલે સાંજના સમયે જ્યારે આશ્રમનો માહોલ સામાન્ય હતો, ત્યારે અચાનક જ શિલ્પાએ પોતાના જ રૂમમાં ગળામાં ઓઢણી વડે પંખા સાથે બાંધી આપઘાત કરી લીધો હતો. જે દીકરીના હાથમાં પેન અને ચોપડીઓ શોભતી હતી, તે દીકરીને ફાંસાના ટૂંપા પર લટકતી જોઈને આશ્રમનો સ્ટાફ અને અન્ય બાળાઓ કમ્પી ઉઠી હતી.

જે માતા-પિતાએ પોતાની કાળજાની કોર જેવી દીકરીને ભણાવી-ગણાવીને હોંશિયાર બનાવવા આશ્રમશાળામાં મૂકી હતી, તેમને જ્યારે દીકરીના આપઘાતના સમાચાર મળ્યા ત્યારે તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. દીકરીના અકાળે અવસાનથી પરિવારજનોના કરુણ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. અગમ્ય કારણોસર ભરેલા આ પગલાએ મા-બાપની આંખોમાંથી ક્યારેય ન સુકાય તેવા આંસુ આપી દીધા છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનીય પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબ્જે લઈ પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. માસૂમ શિલ્પાએ કયા કારણોસર આટલું મોટું અને ખૌફનાક પગલું ભર્યું તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. ધોરણ ૧૦ માં ભણતી સગીરાના આકસ્મિક આપઘાતથી જેસાવાડા અને સમગ્ર ગરબાડા પંથકમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.