૧૬ ગુના, ૪ વખત પાસા: દાણીલીમડામાં માનસિક અસ્થિર યુવતી પર દુષ્કર્મ આચરનાર રીઢો ગુનેગાર મોઈનુદ્દીન ઝડપાયો

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ૨૬ વર્ષીય માનસિક રીતે અસ્થિર યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપીનું નામ મયુદ્દીન ઉર્ફે બાદશાહ શેખ છે, જે પહેલેથી જ ૧૬ જેટલા ગુન્હામાં સંડોવાયેલો છે અને ચાર વખત પાસા તથા એક વખત તડીપારની સજા પણ ભોગવી ચૂક્યો છે. સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨૬ વર્ષીય માનસિક રીતે અસ્થિર યુવતી પરિવાર સાથે રહે છે. ૨૭મી નવેમ્બર ૨૦૨૫ના રોજ રાત્રે ૩:૦૦ વાગ્યાની આસપાસ યુવતીને ખાંસી ઉપાડતા તે પોતાના ઘરની બહાર નીકળી હતી, જેમાં સોસાયટી બહાર પહોંચતા ત્યાં અચાનક આ મયુદ્દીન ઉર્ફે બાદશાહ ટુ વ્હીલર લઈને નીકળ્યો હતો.

જે મોડી રાતે એકલી ઊભેલી યુવતી પાસે પહોંચ્યો હતો અને ’અહીંયા કેમ ઉભી છું’ એવું પૂછ્યું હતું. જેથી યુવતીએ ખાંસીની દવા લેવા જવાનું કહેતા આરોપીએ તેને ફોસલાવી દવા અપાવવાનું કહી પોતાના ટુ વ્હીલર પર બેસાડી હતી. જે બાદ તે યુવતીને અવાવરું જગ્યા ઉપર લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ તેને સોસાયટીની નજીક મૂકીને ફરાર થઈ ગયો હતો.

મોડી રાત્રે યુવતી અચાનક ઘરમાંથી ગુમ થતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. જોકે, થોડી જ મિનિટોમાં યુવતી ઘરે પરત આવી ગઈ હતી અને ગભરાયેલી હાલતમાં હતી. પરંતુ પોતાની સાથે બનેલી ઘટના તે પરિવારને જણાવી શકી ન હતી. જોકે, બીજા દિવસે તેની માતાએ તેને ફોસલાવીને પૂછતા તેણે પોતાની સાથે બનેલી ખરાબ ઘટના જણાવી હતી. જે બાદ યુવતીનો પરિવાર દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો અને અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. ગુનાની ગંભીરતાને જોઈને આ કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઘટના સ્થળની આસપાસના ૫૦થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા બાદ ટેકનિકલ એનાલિસિસના આધારે આ આરોપીને પકડી પાડ્યો હતો. પકડાયેલા આરોપી મયુદ્દીન ઉર્ફે બાદશાહની ધરપકડ બાદ તપાસ કરતા સામે આવ્યું કે તે ભૂતકાળમાં ૧૬ જેટલા ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. તેમજ ચાર વખત પાસા અને એક વખત તડીપાર પણ ભોગવી ચુક્યો છે.

આરોપી ગુનાહિત માનસિક્તા ધરાવતો હોવાથી ક્રાઈમ બ્રાન્ચે તેને કોર્ટમાં રજૂ કરી છ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીની વધુ તપાસમાં સામે આવ્યું કે તેણે બે વાર લગ્ન કર્યા હતા, જેમાં પહેલી પત્ની મૃત્યુ પામી હતી, જ્યારે બીજી પત્નીએ તેની સાથે છૂટાછેડા લીધા છે અને હાલમાં મયુદ્દીન એક યુવતી સાથે રહે છે. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે આરોપીના રિમાન્ડ મેળવી તેની સામે પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.