
દાહોદ જિલ્લામાં ૧૨થી ૧૮ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી થશે. ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે કલેક્ટર સુરભિ ગૌતમના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. તેમાં સપ્તાહ દરમિયાન યોજાનારા કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી.૧૩ નવેમ્બરે સવારે ૧૧થી ૧૨:૩૦ વાગ્યા સુધી જિલ્લાના છ વિધાનસભા ક્ષેત્રોમાં ૫૦૦ યુવાનો સાથે સંવાદ યોજાશે.
૧૪ નવેમ્બરે સવારે છ વિધાનસભા ક્ષેત્રોમાં આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રતિમાઓની સફાઈ અને પૂજા થશે. સાધુ-સંતોનું ઘરે જઈ શાલ અને ફૂલહારથી સન્માન કરાશે. સાંજે ૬ વાગ્યે ગ્રામ પંચાયતો અને શૈક્ષણિક સંસ્થાઓમાં દીપોત્સવ યોજાશે. સ્થાનિક બોલીમાં બિરસા મુંડાના જીવનચરિત્રનું વાંચન અને ભજનનું લાઇવ પ્રસારણ પણ થશે.૧૫ નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસના મુખ્ય કાર્યક્રમો યોજાશે. ફતેપુરાની આઈ.કે. દેસાઈ હાઈસ્કૂલ, દાહોદના શ્રી રામ પાર્ટી પ્લોટ, ઝાલોદના ગુરુ ગોવિંદધામ, કંબોઈ, લીમખેડાના મોટા હાથીધરા ક્રિકેટ ગ્રાઉન્ડ અને ગરબાડાના ગ્રામ પંચાયત મેદાનમાં કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.આ સ્થળોએ પરંપરાગત શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. વન અધિકાર પત્રો તથા સહાયનું વિતરણ અને વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન પણ થશે.૧૬ નવેમ્બરે સાંજે ૪થી ૫ વાગ્યા સુધી દાહોદના સ્વામી વિવેકાનંદ સંકુલના ટોપી હોલમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાશે. તેમાં અધિકારીઓ, ડોક્ટરો, વકીલો, શિક્ષકો, ઉદ્યોગસાહસિકો અને ખેડૂતો સહિત ૨૦૦ આદિવાસી આગેવાનો સાથે સંવાદ કરી સૂચનો મેળવાશે.૧૭ નવેમ્બરે સાંજે ૪થી ૬ વાગ્યા સુધી છ વિધાનસભા ક્ષેત્રોમાં પરંપરાગત રમતોત્સવ યોજાશે. તેમાં તીરંદાજી, કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ અને ગિલ્લી-ડંડાની સ્પર્ધાઓ થશે.
૧૮ નવેમ્બરે સવારે ૧૧થી ૧૨ વાગ્યા સુધી છ વિધાનસભા ક્ષેત્રોમાં અંદાજે ૫૦૦ આદિજાતિ મહિલાઓ સાથે સંવાદ યોજાશે. પત્રકાર પરિષદમાં સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનિયા અને ધારાસભ્યો મહેશભાઈ ભુરીયા, કનૈયાલાલ કિશોરી, મહેન્દ્રભાઈ ભાભોર તથા શૈલેષભાઈ ભાભોર હાજર રહ્યા હતા. ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયા, પ્રાયોજના વહીવટદાર પ્રતીક જૈન, નિવાસી અધિક કલેક્ટર જે. એમ. રાવલ અને મીડિયાકર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.