દાહોદ જિલ્લાના ગ્રામિણ વિસ્તારોમાં ટુંક સમયમાં જ ચુંટણીનો ધમધમાટ શરૂ થાય તેવા સ્પષ્ટ એંઘણ વર્તાઈ રહ્યા છે. જિલ્લાની કુલ ૬૩૩ ગ્રામ પંચાયતોમાંથી અડધાથી પણ વધુ એટલે કે, ૩૫૦ થી વધુ ગ્રામ પંચાયતોની પાંચ વર્ષની મુદ્દત આગામી ફેબ્રુઆરી માસમાં પુર્ણ થઈ રહી છે. ગ્રામિણ રાજકારણનો પારો અત્યારથી જ ઉંચકાયો છે. અને ચોરા તથા પાનની દુકાનો પર ભાવિ સરપંચો અને દાવ હિસાબો અંગે ચર્ચાઓનો દોર જામ્યો છે.
આગામી ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન જ ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણીઓ યોજાઈ શકે તેવી જોરદાર ચર્ચાઓ વહીવટી અને રાજકિય વર્તુળોમાં ચાલી રહી છે. આ ચુંટણીમાં જિલ્લાના આશરે ૩,૩૩૨ જેટલા વોર્ડના સભ્યો અને સરપંચો ચુંટાશે. જોકે ચુંટણી કાર્યક્રમ અને તારીખો અંગે રાજય ચુંટણી પંચ તરફથી સત્તાવાર જાહેરાત થવાની હજુ બાકી છે. ગ્રામિણ મતદારો અને ઉમેદવારોમાં હાલ સોૈથી મોટો કુતુહલનો વિષય મતદાન પદ્ધતિ છે. ચુંટણી બેલેટ પેપર (મત પત્રક)દ્વારા યોજાશે કે પછી ઈવીએમ મશીનથી…?તેમજ સરપંચ અને વોર્ડ સભ્યોની આ ચુંટણી રાજકિય પક્ષોના પ્રતિક પર લડાશે કે વગર સિમ્બોલે આ તમામ બાબતો પરથી સત્તાવાર સ્પષ્ટતા બાદ પરદો ઉંચકાશે. જોકે વહીવટી તંત્રના મતે હાલ આ તમામ બાબતો સંભંવિત પરિસ્થિતિના ભાગપે જ જોવામાં આવી રહી છે. રાજય ચુંટણી પંચ દ્વારા જયાં સુધી સત્તાવાર નોટિફિકેશન અને વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી તારીખો અને પ્રક્રિયા અંગે માત્ર અટકળો જ સેવાઈ રહી છે. ચુંટણી પંચની જાહેરાત બાદ જ દાહોદના ગ્રામિણ જંગનુ આખરી ચિત્ર સ્પષ્ટ થશે.