મહિસાગર જિલ્લાના મુખ્ય તેમજ આંતરિયાળ માર્ગો પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયેલી ઝાડી-ઝાંખરા સફાઈ કામગીરી ભારે ચર્ચાનો વિષય બની છે. આ સફાઈ પાછળ લાખો-કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટ વપરાઈ રહી છે. પરંતુ સરકારી માર્ગદર્શિકા અને નિયમોનુ ખુલ્લેઆમ ઉલ્લંધન થઈ રહ્યુ હોવાના દ્રશ્યો મળ્યા હતા.
મહિસાગર જિલ્લાના મુખ્ય અને આંતરિયાળ રસ્તાઓ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયેલી ઝાડી-ઝાંખરા સફાઈની કામગીરીમાં મોટાપાયે લાલિયાવાડી ચાલતી હોવાનો આક્ષેપો ઉઠ્યા છે. સ્થળ પર કોઈ સરકારી અધિકારી કે કોન્ટ્રાકટર હાજર રહેતા નથી. અને માત્ર જેસીબી ચાલકને કામ સોંપી દેવાય છે. ડ્રાઈવરો રસ્તાની સાઈડમાં માત્ર ઉપર છલ્લુ જેસીબી ફેરવી આગળ વધી જાય છે.જેથી થોડા જ દિવસોમાં ઝાડીઓ ફરી ઉગી નીકળે છે. નિયમ મુજબ ઝાડીઓને જમીન સ્તરથી મુળમાંથી કાપવાની હોય છે. જેથી દ્રષ્ટિ મર્યાદા(વિઝિબિલિટી)અને વળાંકો સ્પષ્ટ દેખાય. પરંતુ ચોમાસાની શરૂઆત પહેલા જ પણ આ રીતે કામગીરી કરાતી હતી. હવે ચોમાસુ પુત્ર થતાં ફરી લાખો રૂપિયાનુ બજેટ ફાળવી દેવાયુ છે. અધિકારીઓ માત્ર કિ.મી.દર્શાવીને કોન્ટ્રાકટરને નાણાં ચુકવી દે છે. જયારે વાસ્તવિક પરિસ્થિતિ યથાવત રહે છે. રસ્તાના વળાંકો અને ચોકડી પર ઝાડીઓ ઢંકાયેલી રહેવાને કારણે વાહનચાલકો સામેથી આવતા વાહનો દેખાતા નથી. જેનાથી અવાર નવાર અકસ્માતો સર્જાય છે. સફાઈના નામે પ્રજાના ટેકસના નાણાંનો દુપયોગ અટકાવવા અને સમગ્ર કામગીરીની ઉચ્ચ સ્તરિત તપાસ થાય તેવી વાહનચાલકો અને સ્થાનિકોની માંગ છે.