છોટાઉદેપુર પાલિકામાં ભાજપનો જુથવાદ ચરમસીમાએ : પાલિકા પ્રમુખને ગાંધીનગર બોલાવાયા

છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપનો જુથવાદ સપાટી પર આવ્યો છે. ભાજપના વિરોધી જુથને સમજાવવાનો પ્રયાસ જિલ્લા ભાજપ સંગઠન કરી રહ્યા છે પરંતુ વિરોધી જુથ માનવા તૈયાર ન હોવાથી આખો મામલો પ્રદેશ કક્ષાએ પહોંચ્યો છે. નગરપાલિકાના પ્રમુખને ગાંધીનગર બોલાવ્યા છે.

છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપના ૬ સભ્યો અને સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી અને અપક્ષ સભ્યો ભેગા મળી કુલ ૧૭ સભ્યોની સહી સાથે પાલિકા પ્રમુખને આપેલી સત્તાઓ ઓછી કરવા માટે ચીફ ઓફિસરને પત્ર લખતા ભાજપમાં બે જુથો આમને સામને આવ્યા છે. હાલ જિલ્લા ભાજપ પ્રમુખ આ વિવાદને થાળે પાડવા માટે મહેનત કરી રહ્યા હતા. પરંતુ સમગ્ર મામલો ઠંડો ન પડતા જુથવાદ વધુ વકર્યો છે. આ મામલાની ગંભીર નોંધ ગાંધીનગર કક્ષાએ ભાજપના ઉચ્ચ નેતાઓએ લીધી છે. જેને પગલે છોટાઉદેપુર પાલિકાના પ્રમુખને ગાંધીનગર બોલાવ્યા છે. આગામી દિવસોમાં સમગ્ર મામલાને થાળે પાડવા માટે પ્રદેશ કક્ષાની ટીમો પણ છોટાઉદેપુર ખાતે આવી શકે છે. ૧૭ સભ્યોની સહી સાથે પત્ર આપ્યો હોવાથી વિકાસના કામોના બિલો મંજુર કરવામાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. આ પાર્ટીનો વિષય છે. અને થોડાક દિવસોમાં સમગ્ર મામલાને થાળે પાડી દેવામાં આવશે.