છોટાઉદેપુરના ધડા ગામના ત્રણ ફળિયામાં પાકા રસ્તાના અભાવે ગ્રામજનોને મુશ્કેલીઓ

છોટાઉદેપુર તાલુકાના ધડા ગામના ખરેડી ફળિયા સહિત મેજર ફળિયા અને ગુમસેલ ફળિયામાં આજદિન સુધી પાકો રસ્તો નહિ બનતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ત્રણેય ફળિયામાં અંદાજે બે હજાર ઉપરાંત વસ્તી વસવાટ કરે છે. આ ફળિયાઓને મુખ્ય માર્ગ સાથે જોડતો આશરે ૩ કિ.મી.નો રસ્તો કાચો હોવાથી ચોમાસાના ૪ મહિના દરમિયાન ગ્રામજનોને મુશ્કેલી પડે છે. ગ્રામજનોના જણાવ્યામુજબ આઝાદી બાદ વર્ષો વિતી ગયા છતાં ત્રણેય ફળિયાઓને પાકા રસ્તાની સુવિધા મળી નથી. રસ્તા માટે ગ્રામજનોએ અનેક વખત તંત્રના અધિકારીઓને તેમજ સ્થાનિક નેતાઓને રજુઆતો કરી હોવા છતાં હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી. કાચા રસ્તાથી ચોમાસામાં વાહન વ્યવહાર મુશ્કેલ બને છે. ખરેડી ફળિયામાં તાત્કાલિક સારવારની જ‚ર પડે ત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર બને છે. એમ્બયુલન્સ પણ ફળિયા સુધી આવી શકતી નથી. આ ઉપરાંત ફળિયાના બાળકોને શિક્ષણ મેળવવા માટે મુશ્કેલી પડે છે. પ્રા.શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આશરે ૪ કિ.મી.સુધી પગપાળા ચાલીને શાળાએ જવુ પડે છે. વર્ષોથી રસ્તાની માંગણી છતાં પ્રશ્ર્નનો ઉકેલ નહિ આવતા ગ્રામજનોએ હવે તંત્રનુ ધ્યાન દોરવા માટે એકત્ર થઈ રસ્તો આપો…રસ્તો આપો…ના નારા લગાવી સુત્રોચ્ચાર કર્યા હતા. ગ્રામજનોની માંગ છે કે, ધડા ગામના ખરેડી, મેજર અને ગુમસેલ ફળિયાને પાકા રસ્તાથી જોડે જેથી ચોમાસા દરમિયાન લોકોને પડતી મુશ્કેલી દુર થાય અને વિદ્યાર્થીઓ, દર્દીઓ તથા સામાન્ય લોકોને આવાગમનમાં રાહત મળે.