
છોટાઉદેપુર જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઉમેદવારી માટે દાવેદારોનો સેન્સ લેવાની પ્રક્રિયા બોડેલી ખાતે શરૂકરવામાં આવી છે.
બોડેલી નગરના લક્ષ્મી પાર્ટી પ્લોટ ખાતે પાર્ટીના નિરીક્ષકો દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જે બે દિવસ સુધી ચાલશે. આ સેન્સ છોટાઉદેપુર જીલ્લા પંચાયતની ૩૨ બેઠકો, સાત તાલુકા પંચાયતોની અંદાજે ૧૫૦ બેઠકો અને બોડેલી નગરપાલિકાની ૨૮ બેઠકો માટે ઉમેદવારોની પસંદગી માટે લેવામાં આવી રહ્યો છે.
તાલુકાવાર બેઠકોમાં છોટાઉદેપુર તાલુકા પંચાયતની ૨૬, સંખેડાની ૧૮, કવાટની ૨૬, નસવાડીની ૨૨, પાવી જેતપુરની ૧૮, કદવાલની ૧૬ અને બોડેલી તાલુકાની ૨૪ બેઠકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જીલ્લા પંચાયતની ૩૨ બેઠકો અને પ્રથમવાર રચાયેલી બોડેલી નગરપાલિકાની ૨૮ બેઠકો માટે પણ મોટી સંખ્યામાં દાવેદારો ઉમટી પડ્યા છે.
જીલ્લા પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નાનામાં નાનો કાર્યકર્તા પણ દાવેદારી નોંધાવી શકે છે. આ સમગ્ર સેન્સ પ્રક્રિયા ભાજપના પ્રદેશ નિરીક્ષકો મયુરિકાબેન જાદવ, ધારાસભ્ય સી.જે. ચાવડા અને ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની હાજરીમાં ચાલી રહી છે.