બોડેલી મહેસૂલી કર્મચારીઓ વધારાની કામગીરીના વિરોધ સાથે મામલતદારને આવેદન આપ્યું

બોડેલી મહેસૂલી કર્મચારી મંડળે બોડેલી સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્ર દ્વારા તલાટી કમ મંત્રીઓની હડતાળને કારણે મહેસૂલી તલાટીઓને સોંપવામાં આવી રહેલી વધારાની કામગીરી સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

આવેદનપત્રમાં જણાવાયું હતું કે, છોટાઉદેપુર જીલ્લામાં તલાટી કમ મંત્રીઓ હડતાળ પર હોવાથી તેમની કામગીરી મહેસૂલી તલાટીઓને સોંપવામાં આવી રહી છે. મહેસૂલી કર્મચારીઓએ આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો અને મામલતદાર મારફતે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.

કર્મચારીઓએ જણાવ્યું હતું કે, સરકારના વર્તમાન ઠરાવો મુજબ દરેક વિભાગના કર્મચારીઓએ પોતાના વિભાગની જ કામગીરી કરવી જોઈએ. જો સરકાર સત્તાવાર ઠરાવ દ્વારા મહેસૂલી તલાટીઓની ફરજો, જોબ ચાર્ટ અને જવાબદારીઓ સ્પષ્ટ કરે, તેમજ ગામના મુખ્ય મથકે બેસવા માટે જ‚રી સુવિધાઓ પૂરી પાડે, તો તેઓ સરકાર દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી કરવા તૈયાર છે.

આવેદનપત્રમાં એ પણ ઉલ્લેખ કરાયો હતો કે, ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓની હડતાળને કારણે સામાન્ય નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને કામકાજમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી, સરકારે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને હડતાળનો વહેલી તકે ઉકેલ લાવવો જોઈએ અને લોકોને પડતી હાલાકી દૂર કરવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી.