સંખેડામાં લાખોના ખર્ચે બનેલ આર.સી.સી. રોડ ૪ મહિનામાં જ રોડ બેસી જતા ગુણવત્તા સામે પ્રશ્ર્નો

સંખેડાના બંગલી ફળિયા તરફ જતા માર્ગ પર લાખો ‚પિયાના ખર્ચે બનેલો આરસીસી રોડ પહેલા જ વરસાદમાં બેસી ગયો છે. ચાર મહિના પહેલા બનેલા આ નાળા પાસે માટી ધોવાઈ જતાં રોડ બેસી ગયો, જેનાથી કામની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે.

તડવી સમાજની વાડી પાસેથી બંગલી ફળિયા જતા આ રોડ પરના નાળાનું નિર્માણ તાજેતરમાં જ થયું હતું. ભારે વરસાદના પાણીના પ્રવાહને કારણે નાળાની બાજુમાં ભરેલી માટી ધોવાઈ ગઈ હતી, જેના પરિણામે આરસીસી રોડ નીચે બેસી ગયો.

કરોડોના ખર્ચે બનેલા આ કામની આવી હાલતથી સ્થાનિક ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓ આ કામમાં ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી રહ્યા છે અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે. આ મામલે નાયબ કાર્યપાલક ઇજનેર અધિકારી અલ્પેશ ચૌહાણે જણાવ્યું હતું કે, જીલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે સ્લેબડ્રેઇન પાસે રસ્તાની સાઈડમાં માટીનું ધોવાણ થયું છે.

તેમણે ઉમેર્યું કે, સેન્ડ બેગ દ્વારા પ્રોટેક્શન આપી ધોવાણ થયેલા ભાગમાં માટી પુરાણ અને વેટમિક્સ દ્વારા તાત્કાલિક ધોરણે મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે બે દિવસમાં પૂર્ણ થશે. વધુમાં, સ્લેબડ્રેઇનનો આર.સી.સી. એપ્રોચ રોડ ભારે વાહનોને કારણે બેસી ગયો છે, જે મેઈન્ટેનન્સ ગેરંટી પીરિયડમાં ઇજારદાર દ્વારા મરામત કરવામાં આવશે. ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે કાયમી નિકાલ લાવવા બંને બાજુ પ્રોટેક્શન વોલની કામગીરી ઇમરજન્સી ટેન્ડરમાં મંજૂરી લઈને કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.