
છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકા સહિત અન્ય વિસ્તારોમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો ચિંતિત છે. છેલ્લા ૨૦ દિવસથી વરસાદ ન થતા ખેતરોમાં ઉભો પાક સુકાઈ રહ્યો છે. આથી ખેડૂતો સિંચાઈ માટે નર્મદાની માઇનોર કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે.
છોટાઉદેપુર જીલ્લાના બોડેલી, નસવાડી અને સંખેડા તાલુકામાંથી નર્મદા કેનાલની બ્રાન્ચ કેનાલો પસાર થાય છે. બોડેલી અને નસવાડી તાલુકામાંથી નર્મદાની મેઈન કેનાલ પણ પસાર થાય છે. આ મેઈન કેનાલ દ્વારા સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવે છે.
જોકે, નસવાડી, સંખેડા અને બોડેલી તાલુકાના ખેડૂતોનું કહેવું છે કે, મેઈન કેનાલમાં પાણી ઉપલબ્ધ છે. જો સ્થાનિક બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોને સિંચાઈનો મોટો ફાયદો થઈ શકે છે.
હાલ વરસાદ ન પડવાને કારણે ખેતરોમાં ઉભો પાક પાણીના અભાવે સુકાઈ રહ્યો છે. ખેડૂતોએ ખેતી પાછળ લાખો પિયાનો ખર્ચ કર્યો છે. તેઓ પાક તૈયાર થવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ વરસાદ ન પડતા પાક બચાવવો મુશ્કેલ બન્યો છે.
ખેડૂતો જણાવે છે કે, નર્મદાની મેઈન કેનાલ માટે જ્યારે તેમની જમીનો લેવામાં આવી હતી, ત્યારે તેમને આશા હતી કે કેનાલનું પાણી તેમના ખેતરો સુધી પણ પહોંચશે. આજે એ જ ખેડૂતો સિંચાઈના પાણી માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે.
ખેડૂતોની માંગ છે કે સરકાર અને નર્મદા વિભાગ તાત્કાલિક નિર્ણય લે. મેઈન કેનાલમાંથી નસવાડી, સંખેડા અને બોડેલી તાલુકાની બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવામાં આવે, જેથી વરસાદ ન પડવાને કારણે સુકાઈ રહેલા પાકને બચાવી શકાય.
એક તરફ વરસાદ ન પડવાને કારણે પાક સુકાઈ રહ્યો છે. ત્યારે ખેડૂતોની નજર સરકારના નિર્ણય પર છે કે ક્યારે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવશે અને તેમને સિંચાઈ માટે રાહત મળશે.