
બોડેલી પોલીસ સ્ટેશનમાં આજે સાંજે પોલીસ ઇન્સ્પેક્ટર પી.એસ. બરંડાની હાજરીમાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બોડેલી ટાઉન વિસ્તારની અલગ અલગ સોસાયટીઓના પ્રમુખો અને આગેવાનો હાજર રહ્યા હતા.
આગામી તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચર્ચા થઈ. સોસાયટી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બને તે વિશે પણ વાતચીત કરાઈ. આ સિવાય બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થતી ચોરીઓ રોકવા માટે જરી સાવચેતી રાખવા પોલીસે માર્ગદર્શન આપ્યું.
પોલીસે સોસાયટીના પ્રમુખોને સીસીટીવી કેમેરા લગાવવા અને સુરક્ષા માટે વોચમેન રાખવા વિનંતી કરી. જો કોઈ મકાન લાંબા સમય સુધી બંધ રાખવાનું હોય, તો તેની જાણ બોડેલી પોલીસ સ્ટેશનમાં કરવા પણ સૂચના અપાઈ. પોલીસે ખાસ ભારપૂર્વક કહ્યું કે, પરિવાર સાથે બહારગામ જતી વખતે સોશિયલ મીડિયા પર ઘર કે પરિવાર બહાર હોવાની માહિતી જાહેર ન કરવી. આવી સાવચેતી ચોરી રોકવામાં મદદ કરી શકે છે, તેમ પોલીસે જણાવ્યું.
આ બેઠકમાં બોડેલી શહેરના વરિષ્ઠ નાગરિકો, સોસાયટી પ્રમુખો અને આગેવાનો હાજર રહ્યા હતા. પોલીસ અને નાગરિકો વચ્ચે સારો તાલમેલ રહે અને તહેવારોમાં શહેરમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી આ બેઠક યોજાઈ હતી.