છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે દર રવિવારે એપીએમસીમાં હાટ બજાર ભરાય છે. આ હાટ બજારમાં આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ સહિત નાના વેપારીઓ પોતાના હાથ બનાવટના સામાનનુ વેચાણ કરવા આવે છે. ખાસ કરીને કેટલીક મહિલાઓ પોતાના પરિવારનુ ગુજરાન ચલાવવા માટે આખુ અઠવાડિયું ધરે મહેનત કરીને વાંસમાથી સુપડા, ટોપલી સહિતની વિવિધ ચીજવસ્તુઓ તૈયાર કરે છે. અને રવિવારે બોડેલીના હાટ બજારમાં તેનુ વેચાણ કરે છે. જોકે આ રીતે મહેનત કરીને રોજગારી મેળવવા આવતી મહિલાઓ પાસેથી પણ એપીએમસી દ્વારા રૂ.૫૦ ની ફી વસુલવામાં આવતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
એક તરફ સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અને નાના કારીગરોને પ્રોત્સાહન આપવાની વાતો કરવામાં આવે છે. લોકોને સ્વદેશી વસ્તુઓ ખરીદવા અને તેનો ઉપયોગ કરવા માટે સતત અપીલ કરવામાં આવે છે. ત્યારે સવાલ એ છે કે, દેશી હાથ બનાવટની વસ્તુઓનુ વેચાણ કરીને પોતાના પરિવારનુ ગુજરાન ચલાવતી મહિલાઓ પાસેથી જ ફી વસુલવાની જરૂર શુ છે…? આ મહિલાઓ કોઈ મોટા વેપારી નથી. તેઓ પોતાના પરિવારના સભ્યો સાથે મળીને દિવસો સુધી મહેનત કરી વાંસમાંથી ચીજવસ્તુઓ બનાવે છે અને હાટ બજારમાં વેચીને થોડી આવક મેળવે છે. આવા નાના વેપારીઓ પાસેથી પણ ફી વસુલાત થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનો સવાલ એ છે કે, એપીએમસી ખેડુતો અને નાના વેપારીઓના હિત માટેની સંસ્થા છે કે પછી નાના ધંધાર્થીઓ પાસેથી પણ ફી વસુલ કરીને આવક વધારવાનુ કેન્દ્ર બની રહી છે.