છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કિશનભાઈ કોળીનો જાતિનો દાખલો બોગસ થતાં તેઓને જિલ્લા કલેકટરે નગરપાલિકાના સભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધા હતા. જેને લઈને પ્રમુખની જગ્યા ખાલી પડી રહેતા ૨૫ દિવસમાં નગરપાલિકાના અધિનિયમ મુજબ પ્રમુખની વરણી જિલ્લા કલેકટરે કરવાની હતી. પરંતુ જિલ્લા કલેકટરે નિયમો નેવે મુકીને પ્રમુખની ચુંટણી ન કરાવતા નગરપાલિકાના કોર્પોરેટર મીનાબેન ભુપતભાઈ બારીયા જિલ્લા કલેકટરની કામગીરી સામે હાઈકોર્ટના દરવાજા ખખડાવતા હાઈકોર્ટમાં સમગ્ર મામલે આ બાબતે સુનાવણી થતાં હાઈકોર્ટના ન્યાયધિશ અનિદ્ધ પી.માયી દ્વારા વચગાળાનો હુકમ કરાયો છે.
જેમાં છોટાઉદેપુર કલેકટરને અરજદારની રજુઆત અંગે નિર્ણય લેવાની છુટ કોર્ટ દ્વારા આપવામાં આવી છે અને તા.૨૨ સુધીમાં કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં નહિ આવે તો જિલ્લા કલેકટરને હાઈકોર્ટનુ તેડું છે. જયારે આ બાબતે છોટાઉદેપુર નગરપાલિકા ચીફ ઓફિસરને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, ૨૨ તારીખ સુધીમાં પ્રમુખની ચુંટણી કરાવવા માટેની હાઈકોર્ટે ટકોર કરી છે. ત્યારે આગામી દિવસોમાં નગરપાલિકાના પ્રમુખ માટે જિલ્લા કલેકટર જે નિર્ણય લેશે તેના ઉપર સોૈની નજર મંડાઈ છે.