નસવાડી તાલુકામાં ફોરલેન રોડની કામગીરી વચ્ચે કેનાલ પુરાતા ખેડુતોની મુશ્કેલી વધી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધામસીયા ગામથી બોડેલી તાલુકાના જબુગામ સુધી ચાલી રહેલી ફોરલેન રોડની કામગીરી વચ્ચે નર્મદાની બ્રાન્ચ કેનાલને પુરાણ કરી દેવામાં આવતા બોડેલી અને સંખેડા તાલુકાના ખેડુતોની મુશ્કેલી વધી છે. કેનાલ ઉપર નાનો બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હોવાથી બ્રિજના કામ માટે કેનાલના ભાગમાં માટીનુ પુરાણ કરાયુ હોવાનુ સામે આવ્યુ છે. જેના કારણે હાલ આ કેનાલમાં નર્મદાનુ સિંચાઈનુ પાણી છોડાયુ નથી.

નસવાડી તાલુકાના ધામસીયા ગામથી બોડેલી તાલુકાના જબુગામ સુધી આશરે ૨૮ કિ.મી.લાંબો ફોરલેન રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ મહત્વપુર્ણ માર્ગ પ્રોજેકટ પાછળ આશરે ‚.૧૩૦૦ કરોડનો ખર્ચ થવાનો છે. રોડની કામગીરીમાં નર્મદા મેઈન કેનાલમાંથી વાસણા ગામ નજીકથી નીકળતી બ્રાન્ચ કેનાલ માર્ગમાં આવતી હોવાથી તેના ઉપર બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરી છે. હાલ નર્મદા નિગમ દ્વારા વિવિધ બ્રાન્ચ કેનાલોમાં સિંચાઈ માટે પાણી છોડાયુ છે. પરંતુ ફોરલેન રોડની કામગીરીમાં વચ્ચે આવતી આ કેનાલ ઉપર બ્રિજનુ કામ ચાલુ હોવાથી કેનાલના ભાગમાં માટીનુ પુરાણ કરી દેવામાં આવ્યુ છે. પરિણામે અન્ય કેનાલોમાં પાણી છોડાયા હોવા છતાં આ બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાની સ્થિતિ ઉભી થઈ નથી. આ કેનાલ મારફતે બોડેલી અને સંખેડા તાલુકાના કેટલાક વિસ્તારોના ખેડુતોને સિંચાઈનુ પાણી મળવાનુ છે. એક તરફ વરસાદ ખેંચાતા ખેડુતોના ઉભા પાકને સિંચાઈના પાણીની તાતી જ‚રિયમાત છે. ત્યારે બીજી તરફ કેનાલમાં પાણીનો પ્રવાહ અટકતા ખેડુતોમાં ચિંતા જોવા મળી રહી છે.