ભાવનગરના સિહોરમાં ખેતરમાં રેડ કરીને પોલીસે અફીણ-ગાંજાનો કરોડોનો જથ્થો ઝડપ્યો

ભાવનગર શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા નશાકારક પદાર્થોને પગલે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે જિલ્લામાં સિહોર પોલીસ દ્વારા મોટી નશાકારક પદાર્થની રેડ કરીને કરોડોનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે. સિહોર તાલુકાના ગામની વાડી વિસ્તારમાંથી પોલીસે ગાંજા અને અફીણનો જથ્થો ઝડપી લીધો હતો. જેમાં બે શખ્સો પણ પોલીસના હાથે ઝડપાયા છે.

ભાવનગર જિલ્લાની સિહોરની પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે મળેલી બાતમીને પગલે પોલીસે સિહોર તાલુકાના સખવદર અને સર ગામની સીમમાં મોરબીવાળુ ઢોળાવાળી તરીકે ઓળખાતી જમીનમાં રેડ કરી હતી. ત્યાંથી પોલીસને અફીણના લીલા પોશ ડોડા, સૂકા પોશ ડોડા, લીલો ગાંજા મળી આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસે કરેલી રેડની ગણતરીમાં અનેક કલાકોનો સમય આપવો પડ્યો હતો. જા કે કરોડો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરીને ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

સિહોર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સખવદર અને સર ગામની મરબીવાળુ ઢોળાવાળી તરીકે ઓળખાતી બોઘાભાઈ રૂપાભાઈ ચૌહાણ અને તેના નાના ભાઈ સંજય ઉર્ફે મનુભાઈ ઉર્ફે સંઘાભાઇ રૂપાભાઈ ચૌહાણની વાડીમાં રેડ કરી. ત્યારે પોલીસના હાથે પોશ ડોડા અફીણના લીલાછોડ ૧૦૮૭.૫૨ કિલો જેની કિંમત ૧૦ કરોડ ૮૬ લાખ ૯૮ હજાર થવા જાય છે. ત્યારે સુકવેલા પોશ ડોડા ૨૬.૦૬૦ કિલો જેની કિંમત ૩,૯૦,૯૦૦ થવા જાય છે. આ સાથે લીલાછોડ ગાંજાના ૧૯.૧૪૦ કિલો તેની કિંમત ૧,૯૧,૪૦૦ અને બે મોબાઇલ મળી બંને ભાઈઓને ધોરણસર ઝડપી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે મળેલી બાતમીના પગલે વાડી વિસ્તારમાં રેડ કરી ત્યારે અફીણના પોશ ડોડા લીલા, સૂકા અને લીલો ગાંજા અન્ય પાકોની વચ્ચે લહેરાતો હતો. જેને પગલે પોલીસે ઝડપીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કુલ મુદ્દામાલ ૧૦,૯૨,૮૫,૩૦૦ નો કબ્જે લીધો છે જ્યારે એનડીપીએસ એક્ટ મુજબ બંને ભાઈઓ વિરુદ્ધ ધોરણસર ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.