કીર્તિ પટેલે રિમાન્ડ દરમિયાન કર્યા અનેક ઘટસ્ફોટ, ભાગીને ઉદયપુર છુપાવાનું જણાવ્યું કારણ

મહાશિવરાત્રીના મેળા દરમિયાન મૃગીકુંડમાં સ્નાન કરી વિવાદમાં આવેલી કીર્તિ પટેલની રવિવારે રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ બાદ કીર્તિને જૂનાગઢ લવાઈ હતી. પોલીસે તેને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ આપ્યા હતા. કીર્તિએ ધાર્મિક લાગણી દુભાવી હોવાનો સ્વીકાર કર્યો છે. તો બીજી બાજુ સાથી આરોપીઓને ઝડપી પાડવા પણ કવાયત તેજ કરવામાં આવી છે.

૧૫મી ફેબ્રુઆરીએ ભવનાથના મૃગીકુંડમાં સાધ્વીની જેમ ભગવા વ†ો ધારણ કરીને સ્નાન કરવા ગયેલી કીર્તિ પટેલ સામે સાધુ-સંતોમાં ભારે રોષ જાવા મળ્યો હતો. કીર્તિ પટેલ આજે (૨૩ ફેબ્રુઆરી) સાંજે ચાર વાગ્યા સુધી રિમાન્ડ પર છે. કીર્તિ પટેલે રિમાન્ડ દરમિયાન અનેક ઘટસ્ફોટ કર્યા છે. કીર્તિએ જણાવ્યું છે કે, તેના પર ફરિયાદ નોંધાયા બાદ તે સીધી રાજસ્થાનના ઉદયપુરમાં પહોંચી હતી. ધરપકડથી બચવા ઉદયપુરમાં તેણે આશરો લીધો હતો.

માહિતી એવી પણ મળી રહી છે કે, કીર્તિ પટેલે ભાગવામાં ઉપયોગ કરેલી કારનો પણ કબજા લેવામાં આવશે. આજે સાંજે ૪ વાગે કીર્તિ પટેલના રિમાન્ડ પૂર્ણ થશે. રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાશે. કીર્તિ ઉપરાંતના બાકીના ફરાર ચાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ મામલે જૂનાગઢ પોલીસમાં કુલ ત્રણ ફરિયાદો નોંધાઈ છે. પ્રથમ ફરિયાદ મહિલા પોલીસ અધિકારીએ નોંધાવી હતી, જેમાં ફરજમાં રુકાવટ અને મહિલા પીઆઇને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ છે. બીજી ફરિયાદ પ્રભાસ પાટણના સાધુ દ્વારા નોંધાવાઈ હતી જેમાં મૃગીકુંડમાં સ્નાન કરી સંતોની આસ્થાને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

૨૧મી ફેબ્રુઆરીના રોજ એક સ્થાનિક યુટ્યુબરે ત્રીજી ફરિયાદ નોંધાવી છે. જેમાં કીર્તિ પટેલે તેના અન્ય પાંચ સાથીદારો સાથે મળીને યુટ્યુબર પાસે ૨૦ લાખ રૂપિયાની તોતિંગ ખંડણી માંગી હતી. આ રકમ ન આપે તો તેને ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ દબાણને કારણે યુવકે બે વાર આપઘાતનો પ્રયાસ પણ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ગુનાઓમાં કીર્તિ પટેલની સંડોવણી બાદ તે ફરાર હતી. તેની તપાસ બાદ તે રાજસ્થાનમાં ઉદયપુરમાં હોવાની માહિતી મળતા પોલીસે તેને રવિવારે ઝડપી પાડી હતી.