ભાવનગરમાં હોટલમાં બીજી ડિશ માંગવા મુદ્દે હોબાળો, સંચાલક પર છરીથી હુમલાનો પ્રયાસ; ચાર સામે ફરિયાદ

ભાવનગર શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલી હોટલમાં જમવા બાબતે થયેલી સામાન્ય તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગ્રાહકને બીજી ડિશ ન મળતા ચાર શખ્સોએ હોબાળો કરી હોટલ સંચાલક સાથે ગાળાગાળી કરી હતી. એક શખ્સે છરી કાઢીને હુમલાનો પ્રયાસ કરતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.ભાવનગર શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નીલકંઠનગર સામે નારાયણ સોસાયટી વિસ્તારમાં સ્કાવયે હોટલમાં બીજી ડિશ માગવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

૨૯ જુલાઈ, ૨૦૨૬ના રોજ રાત્રે કેટલાક ગ્રાહકો હોટલમાં જમવા આવે છે તે દરમિયાન એક ગ્રાહકે હોટલના કર્મચારી પાસે બીજી ડિશની માંગણી કરી હતી. જાકે, હોટલના કર્મચારીએ બીજી ડિશ આપવાનો ઇનકાર કરતાં ગ્રાહક પોતાની સાથે આવેલા અન્ય શખ્સો પાસે ગયો હતો. ત્યારબાદ ત્રણેય શખ્સોએ હોટલમાં હોબાળો શરૂ કર્યો હતો. મામલો વધુ ઉગ્ર બનતાં હોટલ સંચાલક જગદીશભાઈ ત્યાં પહોંચ્યા હતા.

હોટલ સંચાલકે શખ્સોને શાંતિ જાળવવા અને જમીને જવું હોય તો શાંતિથી જમવા અથવા પૈસા પરત લઈ જવાની વાત કરી હતી. જાકે, આરોપી શખ્સોએ તેમની વાત માનવાને બદલે તેમની સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. આ દરમિયાન શખ્સોએ મોટેથી ગાળાગાળી કરી હતી અને હોટલ સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તકરાર વધતાં હોટલમાં હાજર લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સામાન્ય રીતે જમવા બાબતે શરૂ થયેલો વિવાદ થોડી જ વારમાં ધમકી અને મારામારીના પ્રયાસ સુધી પહોંચી ગયો હતો.ફરિયાદ મુજબ, બોલાચાલી દરમિયાન હર્ષ રાવળ નામના શખ્સે પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી હતી.

તેણે ગાળો બોલીને હોટલ સંચાલક પર છરીથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જાકે, અન્ય એક શખ્સે તેને પકડી લીધો હતો અને હોટલની બહાર લઈ ગયો હતો. ત્યારબાદ ચારેય શખ્સો ત્યાંથી ચાલ્યા ગયા હતા. આ ઘટનાને કારણે હોટલ સંચાલક અને તેમના કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. મામલો ગંભીર બનતા જગદીશભાઈએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી.

હોટલ સંચાલક જગદીશ મથુરભાઈ ખેરાળાએ સમગ્ર મામલે ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જારૂભા વરૂ, હર્ષ રાવળ, અજય મકવાણા અને ગોપાલ ચૌહાણના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ હર્ષ રાવળે છરી કાઢીને ગાળો આપી હુમલાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય શખ્સોએ પણ હોટલમાં હોબાળો કરી ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.જગદીશભાઈના જણાવ્યા મુજબ, શરૂઆતમાં આરોપીઓના સાચા નામ અને સંપૂર્ણ વિગતો અંગે જાણકારી ન હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં થોડો વિલંબ થયો હતો. ભરતનગર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીઓની ભૂમિકા અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.