
ભરૂચ જિલ્લાના જૂના બોરભાઠા ગામમાં કુદરતે એવી કહેર વરસાવી છે કે, જ્યાં કાલ સુધી લીલાછમ ખેતરો લહેરાતા હતા, ત્યાં આજે માત્ર પાણીનો વિશાળ દરિયો નજરે પડી રહ્યો છે.મહેનત, આશા અને સપનાઓ બધું જ વરસાદી પાણીમાં વહી ગયું છે.
ભરૂચના જૂના બોરભાઠા ગામના ખેતરો તળાવ બની ગયા છે. જ્યાં આજે નજર કરીએ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે…મેઘરાજાએ થોડા દિવસ પહેલાં તોફાની બેટિંગ કરીઅને હવે વિરામ લીધો છે… પરંતુ વરસાદે ખેડૂતોના જીવનમાં જે વાવાઝોડું સર્જ્યું છે, તેના ઘા હજુ તાજા છે. અંદાજે ૨૦૦ એકરથી વધુ ખેતી વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ડ્રોન કેમેરાથી દેખાતા આ દ્રશ્યો જાણે ખેડૂતોના તૂટેલા સપનાઓની સાક્ષી આપી રહ્યા હોય તેમ લાગી રહ્યા છે.
જ્યાં થોડા દિવસ પહેલાં કેળ, તુવેર, કપાસ અને લીલા શાકભાજીના પાક હરિયાળી ઓઢીને ઉભા હતા… ત્યાં આજે માત્ર પાણીનું સામ્રાજ્ય છે. સતત પાણી ભરાયેલા રહેવાના કારણે ઉભો પાક સડી ગયો છે… જ્યારે નવી વાવણી માટે વાવવામાં આવેલા બિયારણમાં ફૂગ લાગી જતા આખો પાક બળી ગયો છે.
ખેડૂતો કહે છે કે બેન્કો અને વેપારીઓ પાસેથી દેવું કરીને વાવણી કરી હતી… મહેનત દિવસ-રાતની હતી… આશા સારા પાકની હતી… પરંતુ કુદરતના એક જ પ્રહારે બધું જ પાણીમાં મળી ગયું. પાણી ઓસરશે… પરંતુ નુકસાનના ઘા સહેલાઈથી નહીં ઓસરે. નિષ્ણાતોના મતે જમીન ફરી ખેતીલાયક બનવામાં બે મહિનાથી વધુ સમય લાગી શકે છે. એટલે કે આ વર્ષે માત્ર પાક જ નહીં… પરંતુ ખેડૂતોની આવક, તેમની આશાઓ અને પરિવારનું ભવિષ્ય પણ સંકટમાં મુકાઈ ગયું છે.
આ સ્થિતિ માત્ર એકાદ ખેડૂતની નથી… પરંતુ સમગ્ર વિસ્તારના ખેડૂતો માટે આર્થિક આફત બની ગઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ નુકસાન કરોડો રૂપિયામાં પહોંચે તેવી શક્યતા છે. ખેડૂતો સરકારને એક જ અપીલ કરી રહ્યા છે… તાત્કાલિક નુકસાનનો સર્વે કરવામાં આવે… અને સમયસર સહાય ચૂકવવામાં આવે… જેથી આગામી વાવણી માટે તેઓ ફરી એકવાર ઊભા થઈ શકે.
ગામના સરપંચે પણ તંત્રને તાકીદે સર્વે પૂર્ણ કરીને સહાય જાહેર કરવાની માંગ કરી છે. કારણ કે… ખેડૂત માત્ર પોતાનું જ નહીં… સમગ્ર સમાજનું પેટ ભરે છે… અને જ્યારે ધરતીપુત્ર જ મુશ્કેલીમાં હોય… ત્યારે મદદનો હાથ પણ એટલો જ ઝડપથી આગળ વધવો જોઈએ. કુદરતનો કહેર અટકી ગયો છે… પરંતુ ખેડૂતોની કસોટી હજુ પૂરી થઈ નથી… હવે સૌની નજર તંત્રની કાર્યવાહી અને સરકારની સહાય પર ટકેલી છે.