
મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ઉંડણી ગામમાં સરકારી જમીન અને તળાવમાંથી ગેરકાયદેસર રીતે માટી ખોદકામ થતું હોવાનો મામલો સામે આવ્યો છે. ઉંડણી ગ્રામ પંચાયતની હદમાં આવેલા ગૌચર વિસ્તાર અને તળાવમાંથી મોટા પ્રમાણમાં માટી કાઢવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ મામલે ગામના તલાટી કમ મંત્રીએ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર વડનગર અને ખેરાલુ પ્રાંત અધિકારીને લેખિત જાણ કરી તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે.મળતી માહિતી મુજબ, ઉંડણી ગામના સર્વે નંબર ૧૦૬૬માં આવેલા તળાવ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા લોકો દ્વારા ગેરકાયદેસર રીતે માટી ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ છે.
આ માટે કોઈ સત્તાવાર મંજૂરી લેવામાં આવી ન હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.સ્થળ તપાસ દરમિયાન તળાવમાં મોટા પ્રમાણમાં ઊંડા ખાડા પડી ગયા હોવાનું અને મોટા પાયે માટી કાઢવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
ગેરકાયદેસર માટી ખોદકામના કારણે ગૌચર જમીન અને તળાવને નુકસાન થઈ રહ્યું હોવાનું રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે.આ પ્રકારની પ્રવૃત્તિથી સરકારી મિલકતને આર્થિક નુકસાન થવાની સાથે પર્યાવરણ અને જાહેર હિતને પણ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.આ મામલે ઉંડણી ગામના તલાટી કમ મંત્રી રમેશભાઈ દરજીએ જણાવ્યું હતું કે, ગામના કેટલાક લોકોએ ગૌચર વિસ્તારમાંથી માટી ચોરી થતી હોવાની જાણ કરી હતી. ત્યારબાદ તપાસ કરતા મોટા પ્રમાણમાં ખનિજ ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
આ ગૌચર વિસ્તાર ગામથી અંદાજે બે કિલોમીટર દૂર આવેલો છે.તલાટી દ્વારા સમગ્ર મામલે ટીડીઓ, મામલતદાર વડનગર અને ખેરાલુ પ્રાંત અધિકારીને લેખિત જાણ કરવામાં આવી છે. તેમજ સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોને પણ આ બાબતે માહિતગાર કરવામાં આવ્યા છે.તલાટી મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું કે, આ મામલે સરપંચ અને પંચાયત કમિટીને અગાઉ પણ જાણ કરવામાં આવી હતી. જાકે, હજુ સુધી અસરકારક કાર્યવાહી ન થતાં હવે ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી ગેરકાયદેસર ખોદકામ બંધ કરાવવામાં આવે અને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.ઉંડણી ગામના સરપંચે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ત્રણ મહિનાથી અંગત કામને કારણે ગામમાં હાજર નથી. તેમને આ મામલે જાણ થઈ છે અને તેઓ સમગ્ર બાબતની તપાસ કરાવશે. હાલ ઉંડણી ગામમાં ગૌચર અને તળાવમાંથી માટી ખોદકામના આક્ષેપ મામલે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. તપાસ બાદ જ સમગ્ર મામલામાં હકીકત સ્પષ્ટ થશે.