ભરૂચના જંબુસર તાલુકામાં સગીર પર દુષ્કર્મનો કેસ, બે આરોપીઓની ધરપકડ

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર વયની દીકરી પર દુષ્કર્મ થયાની ગંભીર ઘટના સામે આવી છે. ઘટનાને લઈને સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી સહિત બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, આશરે ૧૭ વર્ષીય સગીર વયની બાળકીને ઘરેથી ભગાડી જવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ આરોપી દ્વારા તેની સાથે દુષ્કર્મ  આચરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ કાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસે તપાસ હાથ ધરતા સચીન ઠાકોર નામના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. સાથે જ ગુનામાં મદદગાર હોવાના આરોપસર જયેશ ઠાકોર નામના અન્ય એક વ્યક્તિને પણ કાવી પોલીસે ઝડપી પાડ્યો છે.

આ સમગ્ર મામલે પોલીસે દુષ્કર્મ , અપહરણ અને પોક્સો અધિનિયમ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીઓને કાયદેસરની કાર્યવાહી બાદ કોર્ટ સમક્ષ રજુ કરી તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે અને કેસ સંબંધિત તમામ પાસાઓની વિગતવાર તપાસ ચાલી રહી છે.