
વાવ-થરાદની શાળાનો વીડિયો હાલ ઘણો જ ચર્ચામાં આવ્યો છે. પ્રાથમિક શાળામાં પ્રાર્થના કરતી વખતે એક બાળક ધૂણતો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો આખા પંથકમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બનાસકાંઠાના દિયોદરનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, આ વીડિયો કઈ શાળાનો છે તે તો તપાસનો વિષય છે. આ વીડિયો સામે આવતા આ શિક્ષકો પર કાયદેસરના પગલાં લેવાય તેવી માંગ ઊઠી છે.
આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, બાળક નીચે બેસીને ધૂણી રહ્યો છે અને તેની બાજુમાં જ ખુરશી નાખીને શિક્ષકો પણ બેઠા છે. આ શિક્ષકો તેને આવું કરવા માટે જાણે પ્રોત્સાહન આપતા હોય તેમ હસી રહ્યા છે. હસતાં હસતાં એક શિક્ષક તો ભૂવો બનેલા વિદ્યાર્થીના પગે પણ પડતા નજરે પડી રહ્યા છે. એક તરફ શાળામાં વિજ્ઞાનના પાઠ શીખવાડવામાં આવી રહ્યા છે તો બીજી તરફ શિક્ષકો જ બાળકોને અંધશ્રદ્ધામાં ધકેલતા હોવાનો વીડિયો સામે આવ્યો છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, આ વાયરલ થઈ રહેલો વીડિયો દિયોદરની કોઈ પ્રાથમિક શાળાનો વીડિયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દિયોદરની કોઈ પ્રાથમિક શાળામાં પ્રાર્થના સમયે ડીજેના તાલે બાળક ધૂણતો હોવાનો વીડિયો વાયરલ થતા અનેક પ્રશ્ર્નો ઉદ્ભવે છે. આ વીડિયોમાં દેખાય છે કે, બાળકો પ્રાર્થના કરવા માટે પાથરણાં પર બેઠા છે. તેમની બાજુમાં જ ખુરશીઓ પર શિક્ષકો બેઠા છે. ત્યારે એક નાનકડો વિદ્યાર્થી બાળકોની સામે બેસી જાણે કોઈ પરફોર્મન્સ કરતો હોય તેમ લાગી રહ્યું છે. એ વિદ્યાર્થી ભૂવો બનીને ડીજેમાં વાગી રહેલા ગીત પર ધૂણી રહ્યો છે. બાળકો પણ તેની સામે જોઈને અચરજ પામતાં પામતાં હસી હસીને મજા લે છે પરંતુ પાસે બેઠેલા શિક્ષકો પણ આ બધું જોઈ જ રહ્યાં છે અને તેઓ પણ આની મજા લઈ રહ્યા હોય તેમ હસી રહ્યા છે.
ગેનીબેન ઠાકોર અંધશ્રદ્ધા અને ભુવાજીઓથી દૂર રહેવાની અપીલ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ પ્રાથમિક શાળાઓમાં કોમળ વયના વિદ્યાર્થીઓને આવી પ્રવૃત્તિઓ શીખવવામાં આવી રહી છે. આ વીડિયોની તપાસ કરવાની માંગ ઊઠી છે.