
પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠક સહિત આગેવાનો જોડાયા, મોટી સંખ્યામાં ગણેશ ભક્તોએ આપી ભાવભીની વિદાય.
બાલાસિનોરમાં ગણેશોત્સવની ઉજવણી બાદ ગણેશજીની ભક્તિમય શોભાયાત્રા સાથે વિસર્જન કાર્યક્રમ યોજાયો હતો. ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાભર્યા માહોલ વચ્ચે મોટી સંખ્યામાં ગણેશ ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા અને ગણપતિ બાપા મોરિયાના જયઘોષ સાથે ગણપતિ બાપાને ભાવભીની વિદાય આપી હતી.

ગણેશ વિસર્જન શોભાયાત્રામાં બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશભાઈ (પપ્પુભાઈ) પાઠક ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ જયેશકુમાર ત્રિવેદી, કારોબારી અધ્યક્ષ પરસોતમદાસ કટારીયા, ભાજપ નગર મંડળ પ્રમુખ ભાવેશભાઈ માનવાણી, નગરપાલિકાના સદસ્યો સહિત વિવિધ આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
શોભાયાત્રા દરમિયાન ભક્તોએ ડીજેના તાલે અને ભક્તિગીતો સાથે ઉત્સાહપૂર્વક ગણપતિ બાપાના દર્શન કર્યા હતા. સમગ્ર માર્ગ પર ગણપતિ બાપા મોરિયાના નાદથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.
ગણેશ વિસર્જનને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની દેખરેખ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કાર્યક્રમ પૂર્ણ થયો હતો. મોટી સંખ્યામાં નગરજનો અને ભક્તોએ ઉપસ્થિત રહી ગણપતિ બાપાને ભાવભીની વિદાય આપી હતી.