સમાજની એકતા અને સંગઠનનું બન્યું પ્રતીક, દ્વિતીય માહિતી પુસ્તિકાનું પણ વિમોચન કરાયું.
બાલાસિનોરમાં બારે ગામ લીંબચ વાળંદ સમાજ દ્વારા સમાજની આસ્થા અને એકતાના પ્રતીક સમાન શ્રી લીંબચ ધામ મંદિરના નવ નિર્માણ પામનાર ભવ્ય મંદિરનું ખાતમુહૂર્ત ધાર્મિક માહોલ વચ્ચે યોજાયું હતું. આ પાવન પ્રસંગે સમાજના વડીલો, ભાઈઓ-બહેનો સહિત મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.મંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે સમાજના આગેવાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગ સમાજ માટે ઐતિહાસિક અને યાદગાર બની રહ્યો હતો.આ પ્રસંગે બપોરે ૧૨ વાગ્યે બારે ગામ લીંબચ વાળંદ સમાજની દ્વિતીય માહિતી પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. પુસ્તિકાના વિમોચન સાથે સમાજની પ્રવૃત્તિઓ, સંગઠન અને સામાજીક એકતાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં અમૂલના ડિરેક્ટર અને પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ (પપ્પુભાઈ) પાઠક, નગરપાલિકા પ્રમુખ ગાયત્રીબેન ત્રિવેદી, કારોબારી સદસ્ય પરષોત્તમભાઈ કટારીયા, દિનેશભાઈ પટેલ, હિતેષભાઈ ભરવાડ, કેયુરભાઈ પટેલ તેમજ બાલાસિનોર શહેર ભાજપ પ્રમુખ ભાવેશ માનવાણી સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી લીંબચ ધામ મંદિરના ભવ્ય નિર્માણને લઈને સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સમાજના આગેવાનો દ્વારા મંદિર નિર્માણને માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નહીં, પરંતુ આવનારી પેઢીઓ માટે સમાજની એકતા, સંસ્કાર અને સંગઠનનું કેન્દ્ર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.ખાતમુહૂર્ત પ્રસંગે મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓની ઉપસ્થિતિએ સમાજની સંગઠિત શક્તિનું દર્શન કરાવ્યું હતું.